Atmadharma magazine - Ank 275a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
: ૩૮ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
* સૌથી પહેલા આનંદકારી સમાચાર એ છે કે, આપણા પૂજ્ય તીર્થધામ શ્રી
સમ્મેદશીખરજી–તીર્થધામની યાત્રા ગુરુદેવ સાથે કરવાની ઘણા ભક્તોની જે ભાવના હતી તે
સફળ થશે. આવતી સાલ ફાગણ માસમાં જયપુર પછી સમ્મેદશિખરની યાત્રા કરવાનો નિર્ણય
ગુરુદેવ સમક્ષ નક્કી થઈ ગયો છે. તેનો વિગતવાર કાર્યક્રમ વિચારાઈ રહ્યો છે, જે નક્કી થયે
જણાવવામાં આવશે. યાત્રાસંઘનું પ્રસ્થાન જયપુરથી લગભગ ફાગણ સુદ ત્રીજે થશે.
* પાલેજ શહેરના જિનમંદિરને આવતી સાલ (૨૦૨૩ ના માગશર સુદ
અગિયારસે) દસ વર્ષ પૂરા થાય છે, આ નિમિત્તે ગુરુદેવની મંગલ છાયામાં ઉત્સવ કરવાની
ત્યાંના ભાઈઓની ભાવના થયેલ, ને વિનંતી કરેલી, તેથી કારતક વદમાં સોનગઢથી પ્રસ્થાન
કરી, અમદાવાદ, વડોદરા અને મીંયાગામ થઈને માગસર સુદ ચોથે ગુરુદેવ પાલેજ પધારશે,
ને ત્યાં આઠ દિવસ (માગશર સુદ ૧૧ સુધી) બિરાજશે. ત્યારબાદ પુન: સોનગઢ પધારશે.
* મોટા આંકડિયા તથા જસદણમાં પણ દિગંબર જિનમંદિર તૈયાર થઈ રહ્યા છે,
ત્યાં પણ પ્રતિષ્ઠામહોત્સવ આગામી સાલમાં થશે. આ ઉપરાંત ગુજરાતમાં હિંમતનગરમાં
પણ નવા જિનમંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે; તથા રાજસ્થાનના સાયલા ગામે તથા
ઉદેપુરમાં પણ જિનબિંબ–વેદીપ્રતિષ્ઠા થવાની છે. આંકડિયાનું મુહૂર્ત માહ સુદ એકમ તથા
જસદણનું માહ સુદ અગિયારસ છે. વીંછીયા–લાઠી તથા રાણપુરની પણ વિનંતી છે.
સોનગઢથી લગભગ પોષ વદ આઠમે પ્રસ્થાન કરી, પ્રતિષ્ઠા ઉત્સવ વગેરે કરી, માહ વદ દશમે
ગુરુદેવ જયપુર પધારશે.
* બોટાદના દિ. જૈન સંઘની વિનંતીથી આગામી સાલની વૈશાખ સુદ બીજ ત્યાં
કરવાનું ગુરુદેવે સ્વીકાર્યું છે; ને વેશાખ સુદ બીજ પહેલાં આઠ દિવસ અગાઉ ગુરુદેવ બોટાદ
પધારશે.
* રાજકોટના દિ. જૈન સંઘ તરફથી પણ વિનંતી થઈ હતી; બોટાદમાં વૈશાખ સુદ
બીજ કર્યા પછી તરત રાજકોટ પધારવાનું ગુરુદેવે સ્વીકાર્યું છે. અને ઉનાળાની રજામાં
વિદ્યાર્થીઓ માટેનો જે શિક્ષણવર્ગ દર વર્ષે સોનગઢમાં ચાલે છે, તે શિક્ષણવર્ગ આગામી સાલ
રાજકોટમાં ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
* સૌરાષ્ટ્રના અનેક ગામોના સંઘો તરફથી પણ વિનંતી આવેલ છે, ને તે સંબંધી
વિચારણા યાત્રાનો પૂરો કાર્યક્રમ ગોઠવાય ત્યારે નક્કી થશે.

PDF/HTML Page 42 of 45
single page version

background image
: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૩૯ :
* દશલક્ષણપર્વ સોનગઢમાં આનંદથી ઉજવાયા હતા. હંમેશા દશલક્ષણ મંડલવિધાન
પૂજા થતી હતી. સુગંધદશમીના દિવસે દશ પૂજન–સ્તોત્ર તથા અંતિમ દિવસોમાં
રત્નત્રયપૂજન વગેરે થયા હતા. પૂર્ણિમાને દિવસે રથયાત્રા ઉત્સવ તથા એકમને દિવસે
ક્ષમાવણીપર્વ ઉજવાયા હતા. દશે દિવસ સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષામાંથી ઉત્તમક્ષમાદિ દશધર્મો
ઉપર પૂ. ગુરુદેવે પ્રવચનો કર્યા હતા. તે ઉપરાન્ત સવારે સમયસાર ગા. ૧૩–૧૪ તથા બપોરે
કર્તાકર્મ અધિકાર ઉપર સુંદર પ્રવચનો થયા હતા. સવારે સમ્યક્ત્વ કેમ થાય તેનું સ્વરૂપ, ને
બપોરે ભેદજ્ઞાન કેમ થાય તેનું સ્વરૂપ ઘણા વિસ્તારથી ગુરુદેવ સમજાવતા હતા. રાત્રે પણ
સુંદર તત્ત્વચર્ચા થતી હતી. સહારનપુર વગેરે દૂરદૂરના સ્થળેથી અનેક જિજ્ઞાસુઓ સોનગઢ
આવ્યા હતા ને સોનગઢમાં પર્યુષણ કરીને પ્રસન્ન થયા હતા. વિશેષમાં, સોનગઢમાં એક
બહેને દશ ઉપવાસ તથા બીજા બહેને આઠ ઉપવાસ વગેરે કર્યા હતા. સોનગઢ ઉપરાન્ત બીજા
અનેક સ્થળેથી–મુંબઈ, રાજકોટ, મોરબી, વાંકાનેર, લાઠી, જોરાવરનગર, ઈન્દોર, વગેરેમાં
પણ આનંદથી દસલક્ષણપર્વ ઉજવાયાના સમાચાર છે.
* * * * *
આસો માસના મંગલ દિવસો
આસો સુદ ૧ નેમિનાથ–જ્ઞાનકલ્યાણક (ગીરનાર: સહેસ્રાવન)
આસો સુદ ૮ શીતલનાથ–મોક્ષકલ્યાણક (સમ્મેદશિખર)
આસો વદ ૧ અનંતનાથ–ગર્ભકલ્યાણક (અયોધ્યા)
આસો વદ ૪’ સંભવનાથ–‘જ્ઞાન’ કલ્યાણક (શ્રાવત્સી નગરી)
આસો વદ ૦) ) મહાવીર–મોક્ષ કલ્યાણક: દીપાવલી (પાવાપુરી)
વૈરાગ્ય સમાચાર
* વીંછીયાના ભાઈશ્રી હરિલાલ લાલચંદ ધોળકીયા (જેઓ ઘાટકોપર મુમુક્ષુ મંડળના
મંત્રી શ્રી રસિકભાઈના પિતાજી હતા તેઓ) ઘાટકોપર મુકામે તા. પ–૧૦–૬૬ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ નિવૃત્તિપૂર્વક સ્વાધ્યાયાદિ કરતા હતા.
* ધ્રોળવાળા મોહનભાઈના બહેન સમરતબેન વાઘજીભાઈ સોનગઢમાં દ્વિતીય
શ્રાવણ સુદ ત્રીજના રોજ સ્વર્ગવાસ પામ્યા છે, ઘણા વખતથી તેઓ સોનગઢ રહેતા હતા.
સદ્ગત આત્માઓ જૈનધર્મના પ્રતાપે આત્મહિત પામો.

PDF/HTML Page 43 of 45
single page version

background image
: ૪૦ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
* શ્રવણબેલગોલમાં ઈન્દ્રગિરિ ઉપર સ્થિત બાહુબલી ભગવાનનો
મહામસ્તકાભિષેક જે તા. ૧–૧–૬૭ ના રોજ થવાનું અગાઉ જાહેર થયું હતુંં, તેને બદલે
તા. ૩૦ માર્ચ ૧૯૬૭ ને ફાગણ વદ પાંચમના રોજ તે મહાઅભિષેક કરવાનું નક્કી થયું
છે.
* સમ્મેદશિખરજી વગેરે પૂજ્ય તીર્થો પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને તીર્થરક્ષાફંડની
યોજના અનુસાર વ્યક્તિદીઠ અગર ઘરદીઠ કેટલીક રકમ આવેલી તે તીર્થરક્ષાકમિટિને
(હીરાબાગ મુંબઈ) મોકલી આપવામાં આવી છે. રકમ મોકલનાર સૌને ધન્યવાદ!
(આ યોજના અનુસાર આપણા પૂજ્ય તીર્થોની સેવા અને રક્ષા માટે ઘરદીઠ એક રૂપિયો
અગર વ્યક્તિદીઠ એક રૂપિયો દર વર્ષે મોકલવાનો હોય છે:– (સરનામું: મેનેજર, ભારત
વર્ષીય દિ. જૈન તીર્થક્ષેત્ર કમિટિ, ગીરગાંવ, હીરાબાગ, મુંબઈ: ૪)
* દિલ્હીના મુમુક્ષુભાઈઓ વિનંતી કરવા આવેલા, ને ચાર દિવસની સ્વીકૃતિ
આપેલ છે.
તાજા સમાચાર:
આ છેલ્લા પાનામાં આઠ દશ લાઈન ખાલી હતી, તેમાં શું છાપવું તે વિચારતો
હતો; ત્યાં તો વહેલી સવારમાં ગુરુદેવના સુંદર મજાના શાંતિપ્રેરક ઉદ્ગાર મળ્‌યા–
“પ્રભુ! અનંત શાંતિનું ધામ તું પોતે જ છો,
પછી બીજા અંર્તજલ્પ કે બર્હિજલ્પ
કરવાની વૃત્તિનું શું કામ છે? બહાર જતી
વૃત્તિને છોડીને, એક અનંત શાંતિમય ધામ
પ્રભુ આત્મામાં છે, એમાં જ તું લયલીન
થા...એની જ પ્રીતિ કરીને એમાં જ રમ.”
जयजिनेन्द्र

PDF/HTML Page 44 of 45
single page version

background image

આવી રહ્યું છે મંગલ દીપાવલીપર્વ! દીપાવલીપર્વ એ કોઈ
લૌકિક આનંદપ્રમોદનું પર્વ નથી, પણ એ તો મોક્ષના ઉત્સવનું પર્વ
છે...મોક્ષની ભાવનાનું પર્વ છે. ભગવાન મહાવીર એ દિવસે જે માર્ગે
મુક્તિપુરીમાં પધાર્યા તે મુક્તિના માર્ગની ભાવના કરીને તેની
અનુમોદનાનું અને તે માર્ગે આત્માને લઈ જવાનું એ મંગલ પર્વ છે.
આસો વદ અમાસનાં પરોઢિયે ભગવાન મહાવીર મોક્ષ
પધાર્યા ને પાવાપુરીમાં હજારો લાખો દીપકોની માળા વડે મોક્ષનો
ઉત્સવ ઉજવાયો; ભારતભરમાં એ ઉત્સવ પ્રસિદ્ધ થયો... મોક્ષનો
ઉત્સવ ઉજવતાં કોને આનંદ ન થાય!! થોડાક વર્ષમાં એ
મોક્ષમહોત્સવના અઢીહજાર વર્ષ પુરા થશે, ને એ વખતે મહાવીર
પ્રભુના શાસનમાં કોઈ અનેરા ઉત્સવથી આપણો ભારતદેશ વિશ્વમાં
જગવિખ્યાત બનશે. આપણે પણ વીરમાર્ગની આરાધનાવડે,
રત્નત્રય દીવડા પ્રગટાવીને મોક્ષના ઉત્સવની તૈયારી કરીએ.

PDF/HTML Page 45 of 45
single page version

background image
ATMADHARM Regd No. 182
ભરવાડમાંથી ભગવાન
(કુંદકુંદસ્વામીનો જીવ ગોવાળના ભવમાં મુનિને શાસ્ત્રદાન કરે છે.)
આ ગોવાળ છે તે કુંદકુંદસ્વામીનો જીવ છે. બે હજાર વર્ષ પહેલાં આપણા ભારત
દેશના દક્ષિણભાગમાં એક શેઠ રહેતા હતા. તેમને ત્યાં એક ગોવાળ હતો. તે ઘણો ભદ્ર હતો.
એક વાર તે ગોવાળજી ગાય ચરાવવા જંગલમાં ગયા હતા. ત્યાં તેણે જોયું કે
આગમાં આખુંય જંગલ ભસ્મ થઈ ગયું છે–પણ વચ્ચે એક ઝાડ લીલુંછમ ઊભું છે! એ
દેખીને તેને અચંબો થયો. તેણે ઝાડ પાસે જઈને જોયું તો ઝાડની બખોલમાં એક શાસ્ત્ર
હતું. તેને લાગ્યું કે આ શાસ્ત્રના પ્રભાવથી જ આ ઝાડ બચી ગયું છે; એટલે તે ગોવાળા
ઘણા જ બહુમાનપૂર્વક તે શાસ્ત્ર પોતાના ઘરે લઈ ગયો.
તે શેઠના ઘરે એકવાર મોટા મુનિરાજ પધાર્યા, ને શેઠે ભક્તિપૂર્વક આહારદાન દીધું,
આ જોઈને ગોવાળને પણ મુનિ પ્રત્યે ઘણું જ બહુમાન આવ્યું ને વનમાંથી લાવેલ શાસ્ત્ર
ઘણા જ ભાવપૂર્વક તે મુનિરાજને વોરાવ્યું. તે વખતે જ્ઞાનના અચિન્ત્ય બહુમાનની
ઊર્મિઓ એના અંતરમાં જાગી ને મુનિરાજને જોઈને ભાવના થઈ કે અહો, હું પણ આવો
સાધુ ક્યારે થાઉં!–આ શાસ્ત્રદાનના પ્રભાવથી એનું જ્ઞાનાવરણકર્મ ઘણું તૂટી ગયું.
કેટલાક વખત પછી એ ગોવાળનો જીવ મરીને એ શેઠને ત્યાં જ પુત્ર તરીકે
અવતર્યો નાનપણથી જ ઘણા વૈરાગી અને તીક્ષ્ણ બુદ્ધિમાન એવા તે બાળકે ૧૧ વર્ષની
ઉમરે તો જિનચંદ્ર સ્વામી પાસે દીક્ષા લીધી. ૧૧ વર્ષનો કિશોર હાથમાં મોરપીંછી ને કમંડળ
લઈને મુનિપણે વીતરાગદશામાં વિચરવા લાગ્યો. એ જ આપણા ભગવાન કુંદકુંદાચાર્યદેવ.
તેઓ મુનિ થયા...પછી શું થયું? તે બહુ મજાની વાત આવતા અંકમાં કહીશું.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ: ભાવનગર.