: ૧૨ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
‘અનાત્મા’ છે શુદ્ધનયના આત્મામાં તેનો અભાવ છે. બદ્ધસ્પૃષ્ટ આદિ પરભાવો અભૂતાર્થ
હોવાથી, જ્યાં શુદ્ધનયવડે આત્મા અંતરમાં વળ્યો ત્યાં તે પરભાવો સ્વભાવથી બહાર રહી
જાય છે, ને તેનાથી રહિત એવા શુદ્ધ સ્વભાવપણે આત્મા અનુભવાય છે. આવો અનુભવ
કરે ત્યારે સ્વભાવની સમીપ થયો કહેવાય; ઉપયોગને સ્વભાવમાં જોડ્યો એટલે સ્વભાવની
સમીપતા થઈ, ને પરભાવથી દૂર થયો. બદ્ધ–સ્પૃષ્ટ આદિ વિકારી ભાવો કાંઈ શુદ્ધાત્માના
અનુભવમાં ભેગા નથી આવતા, કેમકે તે સ્વભાવની ચીજ નથી, એટલે સ્વભાવના
અનુભવથી તે બહાર રહી જાય છે. આવા અનુભવનું નામ શુદ્ધનય છે.
જિજ્ઞાસુનો પ્રશ્ન
શ્રી ગુરુએ કહ્યો તેવા શુદ્ધાત્માનો અનુભવ કરવાની જિજ્ઞાસાથી શિષ્ય પૂછે છે:
પ્રભો! આપે કહ્યો તેવા શુદ્ધાત્માનો અનુભવ કઈ રીતે થાય? ‘જેવો કહ્યો તેવો’ કંઈક
લક્ષમાં તો લીધો છે ને સાક્ષાત્ અનુભૂતિ માટે જિજ્ઞાસાથી પૂછે છે: પર્યાયમાં તો આ બંધ ને
વિકારી ભાવો દેખાય છે, તે હોવા છતાં તેનાથી રહિત શુદ્ધઆત્માની અનુભૂતિ કેવી રીતે
થાય? તે કૃપા કરીને સમજાવો. જુઓ આ સ્વાનુભવની નજીક આવેલા જિજ્ઞાસુનો પ્રશ્ન છે.
શ્રી ગુરુ તેને અનુભૂતિની રીત સમજાવે છે
શ્રીગુરુ તેને શુદ્ધાત્મસ્વરૂપ સમજાવે છે: હે શિષ્ય! પર્યાયમાં જે બંધન અને વિકાર
દેખાય છે તે અભૂતાર્થ છે, તે ભાવો આત્માના સ્વભાવભૂત નથી, શુદ્ધનયના વિષયરૂપ
આત્મામાં તે ભાવો નથી; માટે શુદ્ધાત્મસ્વરૂપને દેખનારા શુદ્ધનયવડે અનુભવ કરતાં તે
ભાવોથી રહિત એવી શુદ્ધાત્મઅનુભૂતિ થાય છે. જ્ઞાનસ્વભાવના અનુભવમાં તે ભાવો
ભેગા અનુભવાતા નથી પણ ભિન્ન રહે છે. માટે વિકારથી ભિન્ન થઈને, ને સ્વભાવમાં
એકત્વ કરીને અનુભવ કર, તો જેવો કહ્યો તેવો શુદ્ધાત્મા તને અનુભવમાં આવશે.
અનુભવમાં આવી શકે એવી આ વાત છે. આ વાત દ્રષ્ટાંતથી સ્પષ્ટ સમજાવે છે–
જેમ કમળપત્રને જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી જોતાં તેમાં જળથી સ્પર્શાવાપણું છે
તે ભૂતાર્થ છે એટલે કે અવસ્થામાં તે વિદ્યમાન છે; પણ કમળપત્રનો એવો સ્વભાવ છે કે
પાણી તેને સ્પર્શે નહિ, જરાક ઊંચું કરો તો તે કોરું ને કોરું હોય, એવા અસ્પર્શીસ્વભાવથી
જુઓ તો કમળપત્રમાં પાણીથી સ્પર્શાવાપણું અભૂતાર્થ છે, પાણી તેને અડ્યું જ નથી. તેમ
અનાદિકાળથી બંધાયેલા આત્માને કર્મબંધન અને વિકારી અવસ્થા તરફથી જુઓ તો તે
બંધાયેલો અને વિકારી દેખાય છે, એટલે અવસ્થામાં તે બંધન અને વિકાર ભૂતાર્થ છે,
વિદ્યમાન છે, પરંતુ આત્માના જ્ઞાનસ્વભાવમાં વિકારનો કે કર્મનો જરાય સ્પર્શ જ નથી,
આવા સ્વભાવની સમીપ જઈને (એટલે કે તેમાં ઉપયોગને જોડીને) અનુભવ કરતાં બંધન
અને વિકાર વગરનો શુદ્ધઆત્મા અનુભવમાં આવે છે; તે બદ્ધ–સ્પૃષ્ટાદિ ભાવો અભૂતાર્થ
હોવાથી, તેનાથી રહિત એવો આત્મા શુદ્ધનયવડે અનુભવાય છે.
એકલી વિકારી પર્યાયને જ દેખનારો જીવ, સ્વભાવથી દૂર ને વિકારની સમીપ થઈને