: આસો : ૨૪૯૨ આત્મ ધર્મ : ૧૩ :
(વિકારમાં તન્મય થઈને) આત્માને વિકારી જ અનુભવે છે. પણ શુદ્ધનયવડે
સ્વભાવની સમીપ જા (તેમાં તન્મય થઈને એકત્વબુદ્ધિ કર) ને વિકારથી દૂર થા–તેને
ભિન્ન જાણ, તો શુદ્ધઆત્મા તને અનુભવમાં આવશે.
વાહ, ટૂંકામાં અનુભવનો માર્ગ સમજાવ્યો છે! વિકારને અભૂતાર્થ કરીને જ્યાં
સ્વભાવમાં એકતા કરી ત્યાં આનંદસહિત આત્મા અનુભવાય છે. તે એકાન્ત–બોધબીજરૂપ છે.
આવા સ્વભાવમાં એકત્વ કરવું તે ‘હુકમનો એક્કો’ છે, કોઈ પરભાવ તેને જીતી શકે નહિ.
ભાઈ, તારી કાયમી ટકતી ચીજ શું છે? એકલા જ્ઞાનઆનંદથી ભરેલો
એકસ્વભાવ તે તારી કાયમી ચીજ છે. વિકાર કે પરનો સંગ એ કાંઈ કાયમી ચીજ નથી,
એ તો ક્ષણમાં છૂટી જનાર છે; સ્વભાવમાં વળતાં એ વિકાર કે પરસંગ ભિન્ન રહી જાય
છે. માટે તે સ્વભાવ સાથે એકમેક નથી, પણ જુદા જ છે. અત્યારે પણ શુદ્ધનયવડે તે
જુદા જ અનુભવાય છે. આવો અનુભવ તે શુદ્ધનય છે; તે સમ્યગ્દર્શન છે, તેમાં આત્મા
સત્યસ્વરૂપે પ્રકાશમાન છે.
ભાઈ, જ્યારે જો ત્યારે તારા અંતરમાં આવો શુદ્ધઆત્મા પ્રકાશમાન છે. એકક્ષણ
પણ તેનો વિરહ નથી. જેમ ત્રિકાળને જાણનારા એવા સર્વજ્ઞનો ત્રણકાળમાં કદી વિરહ
નથી, તેમ આત્માના શુદ્ધસ્વરૂપનો કદી વિરહ નથી. દ્રષ્ટિ ખોલીને દેખ, એટલી જ વાર
છે શુદ્ધનયરૂપી આંખ ઊઘાડીને જો, તો આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશી રહ્યો છે–
વિકારીભાવો તે સ્વભાવમાં પ્રવેશી ગયા નથી, તે તો ઉપર–ઉપર તરે છે, સ્વભાવથી
બહાર જ રહે છે. આવા આત્માના સમ્યક્સ્વભાવનો તમે અનુભવ કરો એમ
આચાર્યદેવનો ઉપદેશ છે.
જેમ શ્રીમદ્રાજચંદ્રજી કહે છે કે–
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.
તેમઅહીં કહે છે કે–
વિકારોભાવો આત્માના શુદ્ધસ્વભાવથી બહાર,
ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી તે અભૂતાર્થ થતાં નહિ વાર.
જુઓ, આ અનુભૂતિની ક્રિયા બતાવે છે. આ ક્રિયા તે ધર્મ છે; આ અનુભૂતિની
ક્રિયામાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સમાય છે. – जय जिनेन्द्र
રે જીવ! આવા ભયંકર અસહ્ય દુઃખસમુદ્રમાં તને ચેન નથી પડતું તો તેમાંથી
ઊછળીને બહાર કેમ નથી નીકળી જતો! ને અંતરમાં ભરેલા આનંદસમુદ્રમાં ડુબકી
કેમ નથી મારતો! સંતો તો વારંવાર તને તારું આનંદધામ બતાવે છે.