: ૩૦ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
સન્તો કહે છે કે ભાઈ! તું અલ્પ નથી–નાનો નથી પણ મોટો છો, સર્વજ્ઞ જેવડો
તું છો; સિદ્ધપણાનું સામર્થ્ય તારામાં ભર્યું છે, અનંતચતુષ્ટયનો ભંડાર તારા સામર્થ્યમાં
ભર્યો છે.–આવા સ્વરૂપે આત્માને ચિન્તવતાં ધ્યાનમાં જે પરમ તૃપ્તિ ને આનંદ
અનુભવાય છે તે અંદરના ભૂતાર્થ–સત્યસ્વભાવને લીધે જ અનુભવાય છે. અત્યારે પણ
આત્માને શુદ્ધચિન્તવવો એ કાંઈ કલ્પના નથી પણ યથાર્થ છે.
ભાઈ, તારા સત્સ્વભાવનો ભરોસો કરીને તેનું ધ્યાન કર. અંદર સ્વભાવમાં
સિદ્ધપણું છે તે સત્ છે, તે સત્નું ધ્યાન આનંદ ઉપજાવે છે. આત્માના સ્વરૂપને ધ્યાવતાં
રત્નત્રયરૂપ પરિણમીને પોતે જ સાધક (આચાર્ય–ઉપાધ્યાય–સાધુ) થાય છે, ને
કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટય પ્રગટ કરીને પોતે જ અર્હંત ને સિદ્ધ થાય છે. આત્માનું
સ્વરૂપ જ આવું છે. તેમાં ઉપયોગ મુકતાં સહેજે નિર્વિકલ્પતા થઈ જાય છે–એવો જ
સ્વભાવ છે. માટે સ્વસન્મુખ થઈને તારા શુદ્ધ આત્માને તું ઉપાદેય કર એવો ઉપદેશ છે.
• • • • •
ચારિત્રદશા કોને હોય?
પુરુષાર્થસિદ્ધિઉપાયમાં શ્રી અમૃતચંદ્રસ્વામી કહે છે કે–
विगलित दर्शनमोहैः समञ्जसज्ञानविदिततत्त्वार्थैः।
नित्यमपि निःप्रकम्पैः सम्यक्चारित्रमालम्ब्यम।।३७।।
જેમણે દર્શનમોહને નષ્ટ કર્યો છે, જેમણે સમ્યગ્જ્ઞાન વડે તત્ત્વાર્થને વિદિત કર્યો છે અને
જેઓ સદાકાળ અકંપ દ્રઢચિત્ત છે એવા પુરુષોદ્વારા સમ્યક્ ચારિત્ર અવલમ્બન કરવાયોગ્ય છે.
ભાવાર્થ:– સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ પછી સમ્યક્ચારિત્ર અંગીકાર કરવું જોઈએ
न हि सम्यक्व्यपदेशं चरित्रमज्ञानपूर्वकं लभते।
ज्ञानान्तरमुक्तं चारित्राराधनं तस्मात्।।३८।।
અજ્ઞાનપૂર્વક જે ચારિત્ર હોય તે સમ્યક્ કહેવાતું નથી, તેથી ચારિત્રનું આરાધન
સમ્યગ્જ્ઞાનની પછી કહ્યું છે.
ભાવાર્થ:– જો પહેલાં સમ્યગ્જ્ઞાન ન હોય, ને તેના વિના પાપક્રિયાનો ત્યાગ કરીને
ચારિત્રભાર ધારણ કરે તો તે ચારિત્રને સાચું ચારિત્ર કહેવાતું નથી; જેમ અજાણી ઔષધિના
સેવનથી મરણનો સંભવ છે તેમ જ્ઞાન વગરના ચારિત્રથી સંસારની વૃદ્ધિનો સંભવ છે. જેમ
જીવ વગરના મૃતક શરીરમાં રહેલ ઈન્દ્રિયોનો આકાર નિષ્પ્રયોજન છે તેમ સમ્યગ્જ્ઞાન વગર
શરીરનો વેષ કે ક્રિયાકાંડ સાધન તે શુદ્ધોપયોગની પ્રાપ્તિના સાધન થઈ શક્તાં નથી.