: ૨ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
(૧) પહેલો ઉત્તમક્ષમાધર્મ છે–
ઉત્તમક્ષમાભાવરૂપે પરિણમેલા મુનિવરો રૌદ્ર–ભયાનક ઉપસર્ગ થવા છતાં
ક્ષમાથી ચ્યુત થતા નથી ને ક્રોધાગ્નિથી તપ્ત થતા નથી, તેમને નિર્મળ ક્ષમા છે. શાસ્ત્રમાં
તેના ઘણા દાખલા આપ્યા છે. સુકુમારમુનિ, ગજકુમારમુનિ, કાર્તિકેયમુનિ વગેરે
મુનિવરોએ ઘોર ઉપસર્ગ પ્રસંગે ક્રોધ કર્યા વગર, ક્ષમાધર્મની આરાધના કરી ને સ્વર્ગ–
મોક્ષના ઉત્તમપદને પામ્યા. સુદર્શન શ્રાવક વગેરે શ્રાવકોએ પણ ઉપસર્ગ પ્રસંગે
ક્ષમાભાવ ધારણ કર્યા તે શ્રાવકની ઉત્તમ ક્ષમા છે.
ક્ષમાધર્મ પરમ શાંતિનો દેનાર છે, ને ક્રોધ દુઃખદાયી છે. પ્રાણ જાય એવો ઉપસર્ગ
આવે તો પણ ધર્મી જીવો પોતાના ધર્મને છોડતા નથી. ક્રોધનું નિમિત્ત આવતાં એમ
વિચારવું કે જો કોઈ મારા દોષ કહે છે, તે દોષ જો મારામાં હોય–તો તેણે શું ખોટું કહ્યું?
અને જો મારામાં ન હોય એવો દોષ કોઈએ કહ્યો તો તે તો તેનું અજ્ઞાન છે, જાણ્યા
વિના અજ્ઞાનથી તે કહે છે, એટલે એના ઉપર ક્રોધ શો? એ તો અજ્ઞાનીનો એવો
બાલસ્વભાવ છે એમ જાણી ક્ષમાભાવ રાખે. કોઈ દુષ્ટ વચન કહે, નિંદા કરે, મારે કે
પ્રાણઘાત કરે, તો પણ મારા ધર્મનો ધ્વંસ કરવા કોઈ સમર્થ નથી. બહારની નિંદા–
પ્રશંસા તો પૂર્વકર્મના ઉદય અનુસાર બને છે. ધર્મી તેનાથી પોતાને ભિન્ન જાણે છે.
ક્ષમાથી ખસીને હું ક્રોધ કરું તો મારા ધર્મનો ધ્વંસ થાય, બીજો તો મારા ધર્મનો ધ્વંસ
કરવા સમર્થ નથી, ને હું મારા ક્ષમાધર્મથી ખસતો નથી, પછી ક્રોધ રહ્યો જ ક્યાં?
ખરેખર તો ક્રોધ વગરનો મારો સ્વભાવ જ છે. મારા ઉપયોગસ્વભાવમાં ક્રોધ નથી,–
આવા સ્વભાવની ભાવનામાં લીન થતાં ક્રોધની ઉત્પત્તિ જ થતી નથી.–એનું નામ
ઉત્તમક્ષમાધર્મની ઉપાસના છે. ને આવી ક્ષમા તે સાધકને મોક્ષની સહચરી છે.
(૨) માર્દવધર્મનું સ્વરૂપ
દસલક્ષણપર્વમાં આજે બીજો માર્દવધર્મનો દિવસ છે. માર્દવ એટલે નિર્માનતા,
ઉત્તમ નિર્માનતા કોને હોય? મુનિઓને ઉત્તમ માર્દવરૂપ ધર્મરત્ન હોય છે. તે મુનિ ઉત્તમ
જ્ઞાન અને ઉત્તમ તપશ્ચરણ સહિત હોય છે તો પણ તે પોતાના આત્માને મદરહિત રાખે
છે, જ્ઞાનનું કે તપનું અભિમાન થતું નથી. અહો, ક્યાં કેવળજ્ઞાનની અચિંત્ય તાકાત! ને
ક્યાં આ શાસ્ત્રજ્ઞાન! એ તો કેવળજ્ઞાનના અનંતમા ભાગનું છે. ભલે ૧૨ અંગનો ઉઘાડ
હોય તોપણ કેવળજ્ઞાન પાસે તો તે તરણાં સમાન છે, અનંતમા ભાગનું છે.–આમ
ધર્માત્મા મુનિઓને વિનયરૂપ નિર્માનપરિણતિ હોય છે.
અહો, ધન્યમુનિની નિર્માન દશા! સ્વભાવની અધિકતા પાસે બીજાની અધિકતા
ભાસતી નથી તેથી બીજાનું અભિમાન થતું નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની જેમ આ
ઉત્તમ ક્ષમા, માર્દવ વગેરે ધર્મો છે તે પણ રત્ન છે. આવી અનંતી નિર્મળપર્યાયરૂપ ઉત્તમ
રત્નોનો ભંડાર આત્મા છે એટલે આત્મા ચૈતન્ય–રત્નાકર છે. આવા આત્માને જે
અનુભવે તેને કોઈ બીજાવડે પોતાની મહત્તા લાગતી નથી, એટલે અન્ય પદાર્થોનું