Atmadharma magazine - Ank 277
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 46

background image
: ૧૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
શસ્ત્રભંડારમાં ઝળહળતું ચક્રરત્ન પ્રગટ્યું, તો અહીં વજ્રસેન મુનિરાજના મનગૃહમાં
શુક્લધ્યાનરૂપી અત્યંત તેજસ્વી ધ્યાનચક્ર પ્રગટ્યું. પુત્ર તો ચક્રવર્તી રાજા થયો, ને પિતા
કેવળજ્ઞાન પ્રગટ કરીને ધર્મચક્રી થયા. પિતા તો તીર્થંકર થઈને ધર્મોપદેશ વડે જીવોનું
હિત કરવા લાગ્યા. ને ભાવિ તીર્થંકર એવો પુત્ર ચક્રવર્તી થઈને પ્રજાનું પાલન કરવા
લાગ્યો. રાજા વજ્રનાભિએ ચક્રરત્નવડે આખી પૃથ્વીને જીતી લીધી હતી, ને ભગવાન
વજ્રસેને કર્મો ઉપર વિજય મેળવીને અનુપમ પ્રભાવવડે ત્રણ લોકને જીતી લીધા હતા.
આ રીતે વિજય કરવામાં શ્રેષ્ઠ એ બંને પિતા–પુત્ર જાણે એકબીજાની સ્પર્ધા કરતા હોય,
એવા લાગતા હતા. પણ એકનો વિજય અત્યંત અલ્પ, છ ખંડ સુધીજ મર્યાદિત હતો,
બીજાનો વિજય આખા લોકને ઉલ્લંઘીને અલોકમાં પણ પહોંચી ગયો–એવો સૌથી મહાન હતો.
આપણા ચરિત્રનાયક આદિનાથનો જીવ તો આ રીતે ચક્રવર્તી થયો, ને તેના
સાત ભવનો સાથીદાર (સ્વયંપ્રભા દેવી અથવા કેશવનો જીવ) ધનદેવ તે ચક્રવર્તીના
૧૪ રત્નોમાંથી ગૃહપતી નામનો તેજસ્વી રત્ન થયો. આ રીતે મહાન અભ્યુદય સહિત
બુદ્ધિમાન વજ્રનાભિ ચક્રવર્તીએ દીર્ઘકાળ સુધી રાજ્ય ભોગવ્યું.
એકવાર તે પોતાના પિતા વજ્રસેન તીર્થંકરના સમવસરણમાં ગયો અને પરમ
ભક્તિથી એ જિનનાથના દર્શન–વંદન કરીને દિવ્યધ્વનિનું શ્રવણ કર્યું. ભગવાનના
શ્રીમુખેથી અત્યંત દુર્લભ એવા રત્નત્રયધર્મનું સ્વરૂપ સાંભળીને તેને પણ રત્નત્રયની
ભાવના જાગી. “જે બુદ્ધમાન જીવ અમૃત સમાન એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણેનું
સેવન કરે છે તે અચિંત્ય અને અવિનાશી એવા મોક્ષપદને પામે છે,–એમ હૃદયમાં
વિચારીને તે ચક્રવર્તીએ પોતાના સમસ્ત સામ્રાજ્યને સડેલા તરણાં સમાન જાણીને છોડી
દીધું ને રત્નત્રયધર્મમાં તથા તપમાં પોતાની બુદ્ધિ લગાવી. વજ્રસેન નામના પુત્રને
રાજ્ય સોંપીને તેણે ૧૬૦૦૦ મુગટબંધી રાજાઓ, એક હજાર પુત્રો, પૂર્વભવના સ્નેહી
એવા આઠ ભાઈઓ, તથા ધનદેવની સાથે, મોક્ષપ્રાપ્તિના ઉદે્શથી, પિતા વજ્રસેન
તીર્થંકરની સમીપ, ભવ્ય જીવોને પરમ આદરણીય એવી જિનદિક્ષા ધારણ કરી.
મહારાજા વજ્રનાભિએ મુનિ થઈને અહિંસા વગેરે પાંચ મહાવ્રતો ધારણ કર્યા,
ઈર્યા, ભાષા, એષણા, આદાન–નિક્ષેપણ તથા પ્રતિષ્ઠાપન–એ પાંચ સમિતિ તથા
મનગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિ–આ આઠને ‘અષ્ટ પ્રવચનમાતા’
કહેવાય છે, તેનું પાલન દરેક મુનિને જરૂર હોય–એમ ઈન્દ્રસભાના રક્ષક (–
સમવસરણના નાયક) એવા ગણધરદેવે કહ્યું છે. વજ્રનાભિ મુનિરાજે આવી સમિતિ–
ગુપ્તિનું પાલન કર્યું; તે ઉત્કૃષ્ટ તપસ્વી, ધીર, વીર, પાપરહિત, મુનિધર્મનું ચિન્તન
કરનારા, સમ્યગ્દર્શનાદિ રત્નત્રયધર્મથી શોભાયમાન ચક્રવર્તી–મુનિરાજ
એકલવિહારીપણે એકાકી વિચરવા લાગ્યા.