Atmadharma magazine - Ank 278
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 37

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
આપણા ચરિત્રનાયક ભગવાન ઋષભદેવના જીવ વજ્રનાભિ–ચક્રવર્તીને,
સ્વર્ગથી પણ ઉપર એવા સર્વાર્થસિદ્ધિમાં સુકૃતનાં ફળથી જે વિષયરહિત ઉદાર સુખ પ્રાપ્ત
થયું, તે એવું લાગતું હતું કે જાણે મોક્ષનું સુખ જ તેની સન્મુખ આવ્યું હોય? આ
સંસારમાં જીવને જે સુખ કે દુઃખ થાય છે તે પોતાના કરેલા પુણ્ય કે પાપરૂપ કર્મબંધને
અનુસાર થાય છે. પુણ્યનું ઉત્કૃષ્ટ ફળ સર્વાર્થસિદ્ધિમાં હોય છે, ને પાપનું ઉત્કૃષ્ટ ફળ
સાતમી નરકના નારકીને હોય છે. શાંત પરિણામ, ઈન્દ્રિયદમન, સંયમ વગેરે વડે
પુણ્યાત્મા જીવ ઉત્કૃષ્ટ પુણ્યફળને પામે છે, ને શમ–દમ–યમથી રહિત પાપીજીવ પાપનાં
ફળને પામે છે.
અધિકારના અંતમાં શ્રી જિનસેનસ્વામી કહે છે કે–ઘણા જ નીકટકાળમાં જેમને
તીર્થંકરપદરૂપી જિનેન્દ્રલક્ષ્મી પ્રાપ્ત થવાની છે એવા આ વજ્રનાભિએ જેવી રીતે શમ–
દમ–યમની વિશુદ્ધિપૂર્વક આળસરહિત થઈને શ્રી જિનેન્દ્રદેવની કલ્યાણકારી આજ્ઞાનું
આરાધન કર્યું અને મહાન સુખ પામ્યા, તેવી રીતે જેઓ અનુપમ સુખના અભિલાષી
હોય અને દુઃખના ભારથી છૂટવા ચાહતા હોય તે બુદ્ધિમાન જીવોએ પણ આળસરહિત
થઈને શ્રી જિનેન્દ્રદેવની આજ્ઞાનું (દર્શનવિશુદ્ધિ વગેરેનું) પાલન કરવું જોઈએ.
(આગામી અંકે અયોધ્યાનગરીમાં ઋષભઅવતાર થશે.)
અષ્ટાહ્નિકા પર્વ વખતે બે મિત્રો વાત કરતા હતા–
એક કહે:– નંદીશ્વરદ્વીપે અતિ સુંદર રત્નપ્રતિમાઓ બિરાજી રહ્યા છે, તીર્થંકર જેવી
તેમની શોભા છે; એના સાક્ષાત્ દર્શન કરવા આપણે જઈ શક્તા નથી, પણ
દેવો ત્યાં જઈને સાક્ષાત્ દર્શન અને પૂજન કરી શકે છે. દેવોને કેવું સારૂં કે
નંદીશ્વરદ્વીપે પણ જઈ શકે!
બીજો મિત્ર કહે:– ભાઈ, નંદીશ્વરના રત્નપ્રતિમાના દર્શનની અપેક્ષાએ તારી વાત
સાચી; પરંતુ બીજી એક વાત છે–દેવો ભલે નંદીશ્વર જઈ શકે પણ મોક્ષમાં
નથી જઈ શક્તા; ને આપણે મનુષ્યો ભલે નંદીશ્વર ન જઈ શકીએ પણ
મોક્ષમાં જઈ શકીએ છીએ.–તો હવે કોણ ઉત્તમ?
દેવો કેવળજ્ઞાન નથી પામતા, મનુષ્યો પામે છે.
દેવો મુનિ નથી થઈ શક્તા, મનુષ્યો મુનિ થઈ શકે છે.