Atmadharma magazine - Ank 278
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 37

background image
: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૧૯ :
મરણ જ મારું નથી પછી ભય કેવો? જેને દેહદ્રષ્ટિ છે તેને જ મરણનો ભય છે, કેમકે
દેહથી જુદા આત્માનું શરણ તેને ભાસતું નથી તેથી તે અશરણપણે મરે છે.
ભાઈ, પહેલાં આત્મા અને દેહ વચ્ચે ભિન્નતા જાણીને, દેહથી જુદા આત્માને
સ્વસંવેદનમાં લે. દેહ તે હું એવી દ્રષ્ટિને બદલે, ‘આત્મા હું’ એવી દ્રષ્ટિ કર; દ્રષ્ટિ એકદમ
પલટાવી નાંખ. આવી દ્રષ્ટિ પલટાવ્યા વગર જે કાંઈ ચેષ્ટા કરવામાં આવે તે બધી
જન્મ–મરણ નું જ કારણ થાય છે. દેહદ્રષ્ટિવાળાને ‘હું મરી જઈશ’ એવો ભય કદી મટતો
નથી; આત્મદ્રષ્ટિવાળાને પોતાનું અવિનાશીપણું ભાસ્યું છે એટલે તેને મરણનો ભય
રહેતો નથી. તેથી કહ્યું છે કે–
અબ હમ અમર ભયે ન મરેંગે...............
યા કારન મિથ્યાત દિયો તજ, ફિર કયોં દેહ ધરેંગે......
અબ હમ અમર ભયે
દેહ અને આત્માની એકત્વબુદ્ધિ રાખીને જીવ જે કાંઈ ક્રિયાકાંડ કરે, શુભરાગ
કરે, પણ તેનામાં એવી તાકાત નથી આવતી કે મરણનો ભય મટાડે. ભેદજ્ઞાનમાં જ
એવી તાકાત છે કે અનંત જન્મ–મરણથી છોડાવે છે ને મૃત્યુનો ભય મટાડે છે. આવું
ભેદજ્ઞાન કોઈ બહારની ક્રિયાના આશ્રયે કે રાગના આશ્રયે થતું નથી, ચૈતન્યના
સ્વસંવેદનના અભ્યાસવડે જ આવું અપૂર્વ ભેદજ્ઞાન થાય છે.
અહા, સમ્યગ્દર્શન થયું ત્યાં તો ‘ભવકટ્ટી’ થઈ ગઈ. જેમ બે છોકરાને ન ભળે
તો ‘કટ્ટી’ કરીને મિત્રતા છોડી દે છે; તેમ બાલબુદ્ધિથી દેહ અને આત્માને એક માનીને,
દેહની સાથે મિત્રતા કરી કરીને, દેહના સંગે જીવ ચારગતિમાં રખડયો, પણ હવે
ભિન્નતાનું ભાન થતાં દેહ સાથેની મિત્રતા છોડી ને તેની કટ્ટી કરી, એટલે ભવ સાથે
કટ્ટી થઈ ને મોક્ષ સાથે મિત્રતા થઈ. તે અલ્પકાળમાં મોક્ષ પામશે.
અજ્ઞાની તો શરીરની હયાતીને જ પોતાની હયાતી માને છે, શરીરના વિયોગને
પોતાનું મરણ માને છે; શરીરની ક્રિયાને પોતાની ક્રિયા માને છે, પણ પોતાની
જ્ઞાનક્રિયાને જાણતો નથી. ભાઈ, તું ચેતન...શરીર જડ; તારી ક્રિયા જ્ઞાનમય, શરીરની
ક્રિયા અજીવ; જીવનો ધર્મ તો જીવની ક્રિયાવડે થાય, કે જીવનો ધર્મ અજીવની ક્રિયાવડે
થાય? દેહથી ભિન્ન ઉપયોગસ્વરૂપ આત્મા સર્વજ્ઞદેવે જેવો જોયો છે તેવો તને અત્યંત
સ્પષ્ટપણે સન્તો સમજાવે છે, –તો હવે તો તું ભેદજ્ઞાન કર! એકવાર પ્રસન્ન થઈને
અંતરમાં આવું ભેદજ્ઞાન કર.