Atmadharma magazine - Ank 278
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 37

background image
: ૨૦ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
મારી કોઈ ચેષ્ટા દેહમાં નથી, ને દેહની કોઈ ચેષ્ટામાં હું નથી–આવું ભેદજ્ઞાન જેને
નથી તે મરણના ભયથી થરથર ધ્રુજે છે. ભલે કદાચ મરણ ટાણે બહારથી ધૈર્ય કે શાંતિ
રાખે, પણ ‘હું મરું છું’ એવો જે અભિપ્રાય તેમાં પોતાના અસ્તિત્વનો જ ઈન્કાર પડ્યો
છે એટલે મરણનો ભય તેને ખરેખર મટે જ નહિ. જ્ઞાની તો નિઃશંક છે કે અવિનાશી
આત્મપદને દ્રષ્ટિમાં લઈને મરણને તો મેં મારી નાંખ્યું છે.–‘મૃત્યુ મરી ગયું રે લોલ’
પછી મરણનો ભય કેવો? અજ્ઞાનીને મરણ તણી બીક છે, જ્ઞાનીને તો આનંદની લહેર જો...
ભાઈ, બહારમાં તેં શરીર, મિત્ર, ધન, વગેરેને શરણરૂપ માનીને જીવન વીતાવ્યું,
તો એ બધાના વિયોગ ટાણે તું કોનું શરણ લઈશ? અંદરમાં જે શરણ છે તેને તો તેં
જાણ્યું નથી! –મરણ ટાણે કોના શરણે તું શાંતિ રાખીશ? સંયોગના શરણે કદી શાંતિ કે
સમાધિ થાય નહિ. એટલે અજ્ઞાની તો દેહદ્રષ્ટિને લીધે મરણથી ભયભીત થઈને
અસમાધિપણે મરે છે. આ રીતે અજ્ઞાનીની વાત કરી. ને જ્ઞાનીને તો દેહ છોડવો તે એક
વસ્ત્ર બદલીને બીજું ધારણ કરવા સમાન છે એટલે તે તો નિર્ભયપણે દેહ છોડે છે–એ
વાત હવે કહેશે. (૭૬)
‘ધનતેરસ’ ................ ‘ધન્ય– તે– રસ!’
આસો વદ ૧૩ ના રોજ ગુરુદેવે આત્માના અનુભવના અતીન્દ્રિય
આનંદરસનું અદ્ભુત વર્ણન કરતાં કહ્યું કે આ ‘ધનતેરસ’ ની લાપસી પીરસાય
છે, અતીન્દ્રિય આનંદરસથી ભરેલી લાપસી સન્તો પીરસે છે.
ત્યારે તે સાંભળીને, ઈંદોરના પં. શ્રી બંસીધરજીએ પ્રમોદપૂર્વક કહ્યું કે,
‘ધન્ય–તે–રસ!’ ધન્ય તે ધનતેરસનો અતીન્દ્રિય રસ. જેણે આત્માના આવા
અતીન્દ્રિય આનંદરસનો અનુભવ કર્યો તે ધન્ય છે. ભગવાન મહાવીર પરમાત્મા
આવા આનંદરસના અનુભવથી જીવનને ધન્ય કરીને મોક્ષમાં સિધાવ્યા.
–ધન્ય તે...રસ!