: ૨૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯૩
આમ પરમભક્તિથી તેમણે વિદેહક્ષેત્રની યાત્રા કરી...સીમંધરનાથના દર્શન કર્યા.
વાહ! જ્ઞાયકભાવના આરાધક એ ભરવાડના જીવે ભગવાનને સાક્ષાત્ નીહાળ્યા...ને
પોતે પણ ભગવાન જેવા થઈને પંચપરમેષ્ઠીની પંક્તિમાં બેઠા!
કુંદકુંદસ્વામી વિદેહક્ષેત્રે પધાર્યા તે પ્રસંગની સાક્ષીરૂપે ગુરુદેવના હસ્તાક્ષર અહીં
આપીએ છીએ–
[આ હસ્તાક્ષર ગુરુદેવે પોન્નુરતીર્થ ઉપર કુંદકુંદપ્રભુના ચરણસમીપે બેઠાબેઠા કરેલા છે.]
“જાગૃત રહો!” (એક રાજાની વાત)
આત્મજાગૃતિની પ્રેરણા આપનારી એક નાનકડી વાત આવે છે:
એક હતો રાજા; તેને એક રાણી; એક પુત્રી ને એક દાસી; જૈનધર્મના રંગે
રંગાયેલો આખો પરિવાર વૈરાગી હતો; એટલે સુધી કે દાસી પણ વૈરાગ્યમાં જાગૃત હતી.
એકવાર કાંઈક પ્રસંગ બનતાં રાજા વૈરાગ્યથી કહે છે કે–રે જીવ! તું જલદી
ધર્મસાધના કરી લે. આ જીવન તો ક્ષણભંગુર સાત–આઠ દિવસનું છે! એનો શો ભરોસો!
ત્યારે રાણી કહે છે–રાજાજી! તમે ભૂલ્યા! સાત–આઠ દિવસનો પણ શો ભરોસો?
રાત્રે હસતું હોય તે સવારમાં નષ્ટ થઈ જાય છે! માટે કાલના ભરોસો ન રહેવું.
ત્યારે પુત્રી ગંભીરતાથી કહે છે–પિતાજી, માતાજી! આપ બંને ભૂલ્યા. સાત–આઠ
દિ’ નો કે સવાર–સાંજનો શો ભરોસો? આંખના એક પલકારામાં કોણ જાણે શું થઈ જાય?
છેવટે દાસી કહે છે–અરે, આપ સૌ ભૂલ્યા. આંખના ટમકારમાં તો કેટલાય સમય
ચાલ્યા જાય છે...એટલા સમયનો પણ શો વિશ્વાસ? માટે બીજા સમયની રાહ જોયા વગર
વર્તમાન સમયમાં જ આત્માને સંભાળીને આત્મહિતમાં સાવધાન થવું, આત્મહિતનું કામ
બીજા સમય ઉપર ન રાખવું. એક સમયનો પણ વિલંબ તેમાં ન કરવો.