Atmadharma magazine - Ank 278
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 37

background image
સર્વજ્ઞદેવે અને કુંદકુંદાચાર્યાદિ દિગંબર સંતોએ કહેલું જે પરમ સત્ય
અધ્યાત્મતત્ત્વ અત્યારે પ્રસિદ્ધિમાં આવી રહ્યું છે, ને જૈનસમાજમાં અત્યારે જે
સ્થિતિ વર્તી રહી છે, તે ઉપરથી ગદ્ગદ્ હૃદયે ગુરુદેવે પ્રવચનમાં કહ્યું કે અરે, શું
કહીએ? આ તો ભગવાન સીમંધર પરમાત્મા જે સત્ય કહી રહ્યા છે તે જ
સત્યનો પ્રવાહ અહીં આવ્યો છે. આ તો ભૂલા પડ્યા એટલે અહીં આવી ગયા
(અહીં ભક્તો કહે છે કે અમારા મહા ભાગ્ય હતા તેથી સત્યમાર્ગ બતાવવા
આપ અહીં આવ્યા ને અમને આવું પરમ સત્ય પ્રાપ્ત થયું.) ગુરુદેવ કહે છે–
અત્યારે મુનિપણું નહિ, ક્ષુલ્લકપણું નહિ, બહારમાં વિશેષ ત્યાગ ન દેખાય
એટલે લોકોને અહીંની વાત સાધારણ લાગે છે, પણ બાપુ! આ તો સર્વજ્ઞ
પરમાત્મા પાસેથી આવેલો પ્રવાહ છે. સર્વજ્ઞ પરમાત્મા જે કહે છે તેમાં ને આ
વાતમાં કાંઈ ફેર નથી. આત્માનું પરમાર્થસ્વરૂપ દેખાડવાની સમયસારની શૈલિ
કોઈ અલૌકિક છે. અહીંના લોકોના ભાગ્યે મહા નિધાન આવી ગયા છે. જે
આવા નિધાનને ઠુકરાવશે તે પસ્તાશે. આ તો મહાભાગ્યે આવો અવસર મળ્‌યો
છે, તે ચૂકવા જેવો નથી. બાપુ! અત્યારે જગતના કોલાહલમાં રોકાવા જેવું
નથી, વીરરસ પ્રગટ કરીને સમભાવી આત્માને સાધી લે.