Atmadharma magazine - Ank 279
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 41

background image
: ૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
તે કેમ શોભે? અંતરના સાચા પુરુષાર્થ વડે તેની પ્રાપ્તિ થાય જ.
સમવસરણની શોભા વચ્ચે તીર્થંકર ભગવાને ઈન્દ્રો અને ચક્રવર્તીને આવા
આત્માના સુંદર અનુભવનો ઉપદેશ આપ્યો હતો ને અત્યારે પણ સીમંધરભગવાન આવો
ઉપદેશ વિદેહક્ષેત્રમાં આપી રહ્યા છે.
ઈન્દ્ર અને ચક્રવર્તીને (તથા રાજ્ય અવસ્થામાં તીર્થંકરને) પહેરવાનો એક ઉત્તમ
હાર ૧૦૦૮ સેરનો થાય છે–જેની અદ્ભુત શોભા હોય છે, પણ તે ધર્મી કહે છે કે–એ હાર
વડે અમારી શોભા નહિ, સર્વજ્ઞતા ને સમરસીભાવરૂપ જે ચૈતન્યહાર તેના વડે અમારી
શોભા છે, તે હારમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે સાચા રત્નો ગૂંથેલા છે. અનંતી
નિર્મળપર્યાયની હારમાળા જેમાં ગૂંથાયેલી છે એવો આ ચૈતન્યસ્વરૂપ આત્મા મહા
શોભાયમાન વસ્તુ છે. તેની પ્રાપ્તિનો ઉદ્યમ કર. તારા અંતરમાં જ તને તેની પ્રાપ્તિ થશે.
ભાઈ, દેહ તે હું ને રાગ તે હું–એવી તારી માન્યતા અનંતકાળથી તેં સેવી, છતાં
તેમાંથી તને જરાય સુખની કે મોક્ષની પ્રાપ્તિ ન થઈ; તો હવે જરાક ધીરો થઈ શાંત થઈ,
અમારી વાત લક્ષમાં લે; ને અમે કહ્યું તે રીતે દેહથી ને રાગથી અત્યંત ભિન્ન એવા
આત્માને અંતરમાં દેખવાનો ઉદ્યમ કર. તું જો કે એવા અભ્યાસથી છ મહિનામાં તને કેવું
ઉત્તમ ફળ આવે છે? તને જરૂર આત્માનો અનુભવ થશે; સ્વાનુભવની પ્રાપ્તિથી તારો
આત્મા શોભી ઊઠશે.
અરે, સ્વાનુભવ વગરનો આત્મા કેમ શોભે? પોતાને જડરૂપે માને, પોતાને
વિકારરૂપે માને–એ જીવ કેમ શોભે? વિકારવડે કે જડવડે આત્માની શોભા ન હોય; ભાઈ!
એ તો કલંક છે. તારો આત્મા એનાથી ભિન્ન ચૈતન્યવિલાસ વડે શોભે છે.
શરીર તારા સંયોગમાં રહ્યું છે પણ તે જડપણે રહ્યું છે, તારા ચેતનરૂપે થઈને તે
નથી રહ્યું; માટે તે તું નથી. એ જ પ્રમાણે ક્ષણિક રાગ છે તે રાગરૂપે રહ્યો છે પણ તારા
ચૈતન્યરૂપે થયો નથી, માટે તે રાગ પણ તું નથી. તું તો ચૈતન્યસ્વરૂપ જ સદાય છો; આવા
ચૈતન્યસ્વરૂપને દેહથી ભિન્ન દેખ, ને રાગથી ભિન્ન દેખ;–એને દેખતાં જ તને પરમ
આનંદસહિત તારું ચૈતન્યપદ પ્રગટ અનુભવમાં આવશે. એની લગની લાગવી જોઈએ,
એની ધૂન જાગવી જોઈએ...તો અંતર્મુહૂર્તમાં જ એની પ્રાપ્તિ થઈ જાય.
અહો, ઘણાય ધર્માત્મા જીવોએ અંતરમાં આવા આત્માનો અનુભવ કર્યો છે;
પોતે જાતે અનુભવ કરીને કહે છે કે તમે પણ જો આત્માની લગની લગાડીને, અને
સંસારના કોલાહલનો રસ છોડીને અંતરમાં ઉદ્યમ કરો તો તમને પણ જરૂર અમારી
જેમ આત્માનો અનુભવ થશે.