Atmadharma magazine - Ank 279
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 41

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૧ :
[તત્ત્વચર્ચામાં મરુદેવીમાતાજીના આનંદકારી જવાબ સાંભળીને દેવીઓને બહુ
પ્રસન્નતા થાય છે; તેથી ફરીફરીને નવા નવા પ્રશ્નો પૂછે છે–]
દેવી–હે માતા! દેવેન્દ્ર જેને પૂજે એવો ઉત્તમ પુરુષ કોણ?
માતા– ‘મારો પુત્ર’ અર્થાત્ તીર્થંકર ભગવાન.
દેવી–સંસારમાં જીવો કેમ દુઃખ પામે છે?
માતા–આત્માનો અનુભવ કરતા નથી તેથી.
દેવી–હે માતા! ‘પુરુષ’ નામ ક્્યારે સફળ થાય?
માતા–મોક્ષનો પુરુષાર્થ કરે ત્યારે.
દેવી–શેના વગરનો નર પશુ સમાન છે?
માતા–ભેદજ્ઞાનરૂપ વિદ્યા વગરનો નર પશુસમાન છે.
દેવી–હે માતા! જગતમાં કયું કાર્ય ઉત્તમ છે?
માતા–આત્મધ્યાન તે જગતમાં ઉત્તમ કાર્ય છે.
દેવી–હે માતા! આપના ઉદરમાં કોણ બિરાજે છે?
માતા–જગતગુરુ ભગવાન ઋષભદેવ!
જ્ઞાનમય અને ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ એવા તીર્થંકરપુત્રને હું મારા ઉદરમાં ધારણ
કરી રહી છું–એમ જાણીને તે માતા આનંદિત અને સંતુષ્ઠ રહેતા હતા. જેમ રત્નોથી
ભરેલી ભૂમિ અતિશય શોભે તેમ જેમના ગર્ભમાં તીર્થંકર જેવા રત્ન ભર્યા છે એવા તે
માતા અતિશય શોભતા હતા; તેમને કોઈ પ્રકારનું કષ્ટ થતું ન હતું. ભગવાનના તેજનો
એવો પ્રભાવ હતો કે ગર્ભવૃદ્ધિ થવા છતાં માતાના શરીરમાં કોઈ વિકૃતિ થઈ ન હતી.
જેમ સ્ફટિકમણિના ઘરમાં વચ્ચે દીવો શોભે, તેમ મરુદેવી માતાના નિર્મળ ગર્ભગૃહમાં
મતિ–શ્રુત–અવધિ એ ત્રણ જ્ઞાનરૂપી દીપકથી વિશુદ્ધ ભગવાન શોભતા હતા. ઈન્દ્રાણી
પણ ગુપ્તરૂપે મરુદેવી માતાની સેવા કરતી હતી, ને જગતના લોકો પણ તેને નમસ્કાર
કરતા હતા. ઝાઝું શું કહેવું? ત્રણલોકમાં તે જ એક પ્રશંસનીય હતી; અને જગતના નાથ
એવા ઋષભતીર્થંકરની જનની હોવાથી તે આખા લોકની જનની હતી, ને જગતને
આનંદ દેનારી હતી.