Atmadharma magazine - Ank 279
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 41

background image
: ૨૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
ધર્માત્માની અનુભૂતિનું
આનંદકારી વર્ણન
[સમયસાર ગા. ૧૪૩ ઉપરના પ્રવચનમાંથી]
અહો, નિર્વિકલ્પ અનુભૂતિનો મહિમા ઊંડો અને ગંભીર છે. અહીં
એ અનુભવદશાનું કોઈ અલૌકિક વર્ણન કર્યું છે. ચોથા ગુણસ્થાનવાળા
સમ્યગ્દ્રષ્ટિની અનુભવદશાને ઠેઠ કેવળીભગવાનની જાત સાથે સરખાવી છે.
ધર્મીની અનુભવદશા શું છે ને નિર્વિકલ્પ અનુભવ વખતની સ્થિતિ કેવી
છે–એ સમજે તો પોતાને અંતરમાં ભેદજ્ઞાન થાય ને આત્માનો પત્તો લાગે.
‘વ્યવહારથી મારો આત્મા બદ્ધ છે’ એવો શુભ વિકલ્પ અથવા ‘નિશ્ચયથી મારો
આત્મા અબદ્ધ છે’ એવો શુભવિકલ્પ, –એ બંને વિકલ્પ તે રાગ છે, તે રાગના પક્ષમાં
અટકે ત્યાંસુધી આત્માનો અનુભવ કે સમ્યગ્દર્શન થતું નથી.
તો હવે તે બંને નયોના પક્ષથી પાર આત્માની સાક્ષાત્ અનુભૂતિ કેમ થાય?
તેની જેને જિજ્ઞાસા છે એવો શિષ્ય કયા પ્રકારે પક્ષાતિક્રાન્ત થાય છે તેનું આ વર્ણન છે.
અંતરની ખાસ પ્રયોજનરૂપ વાત છે.
વિકલ્પનો પક્ષ, –પછી તે વ્યવહારનો હો કે નિશ્ચયનો હો, પણ વિકલ્પ તે તો
અશાંત ચિત્ત છે, તેમાં ચૈતન્યની શાંતિનું વેદન નથી. જે જીવ પક્ષથી પાર થઈને
ચૈતન્યસ્વરૂપમાં વસે છે–તેમાં ઉપયોગને એકાગ્ર કરે છે તે સમસ્ત વિકલ્પજાળથી છૂટીને
શાંતચિત્તવડે સાક્ષાત્ અમૃતને પીવે છે, અતીન્દ્રિય આનંદને અનુભવે છે.
અહીં (આ ૧૪૩ મી ગાથામાં) શ્રુતજ્ઞાનીજીવ સ્વાનુભૂતિ વખતે કેવો
પક્ષાતિક્રાન્ત છે તે વાત કેવળી સાથે સરખાવીને સમજાવે છે: સ્વાનુભૂતિમાં વર્તતા
જીવને બંને નયોનું માત્ર જ્ઞાતાપણું છે, પણ નયના વિકલ્પો નથી; એના જ્ઞાનનો ઉત્સાહ
સ્વભાવના અનુભવ તરફ વળ્‌યો છે એટલે વિકલ્પના ગ્રહણનો ઉત્સાહ છૂટી ગયો છે;
જ્ઞાન તે વિકલ્પને ઓળંગીને અંદર સ્વભાવ તરફ ઉત્સુક થયું છે. છ બોલથી કેવળજ્ઞાન
સાથે શ્રુતજ્ઞાનીના અનુભવને સરખાવીને પક્ષાતિક્રાન્ત અનુભવનું સ્વરૂપ સમજાવશે.