: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વી. સં. ૨૪૯૩
ત્રણ રૂપિયા પોષ
* વર્ષ ૨૪ : અંક ૩ *
ચેતના વગેરે સ્વગુણનું જે પુર–તેમાં જે સુએ તેને પુરુષ કહે છે.
નિજગુણની ચેતનાનો સ્વામી થઈને તેના આનંદને જે આત્મા ભોગવે છે તે જ
સ્વપ્રયોજનને સાધનાર પુરુષાર્થી છે. જે જીવ રાગમાં લીન થઈને સ્વગુણને ભૂલે
છે, તે સ્વપ્રયોજનરૂપ અર્થને સાધી શકતો નથી તેથી તેને ખરેખર પુરુષ કહેતા
નથી. ‘પુરુષ’ પણું એ કાંઈ દેહમાં નથી પણ ચૈતન્ય–પરિણતિરૂપ નિજપુરનો
સ્વામી થઈને તેમાં એકત્વપણે પરિણમે તે આત્માને જ અહીં પુરુષ કહ્યો છે; ને
તે પુરુષ સમ્યક્ત્વાદિ ઉપાય વડે પોતાના અર્થને–પ્રયોજનને સિદ્ધ કરે છે,–તેની
આ વાત છે, એટલે કે પુરુષના અર્થની સિદ્ધિના ઉપાયનું આ વર્ણન છે.
‘અજિત’નાથની સ્તુતિ કરતાં ભક્ત કહે છે કે હે નાથ! રાગદ્વેષને આપે
જીતી લીધા, રાગ–દ્વેષવડે આપ ન જીતાયા–તેથી આપ ખરા અજિત છો, આપ
ખરા પુરુષાર્થવાન–પુરુષ છો...પરંતુ રાગવડે જે જીવ જીતાઈ જાય–હારી જાય તેને
પુરુષ કોણ કહે? નિજગુણના ઉપભોગરૂપ સ્વગુણની શુદ્ધપરિણતિનો સ્વામી
થઈને વર્તવાને બદલે તે તો રાગનો દાસ થઈને રહ્યો, –એને પુરુષ કોણ કહે?
પ્રભો! તારી સુવાની સોડ્ય તો અનંતગુણની શુદ્ધચેતનામાં છે. નિજગુણના
નિર્મળ પુરમાં જે સુએ તે પુરુષ છે. એ જ પોતાના સાચા પ્રયોજનરૂપ અર્થને
સાધી શકે છે. પુરુષના સ્વપ્રયોજનરૂપ અર્થની સિદ્ધિનો જે ઉપાય તે
‘પુરુષાર્થસિદ્ધિઉપાય’ છે; રત્નત્રય તે જ પુરુષના અર્થની સિદ્ધિનો ઉપાય છે,
એનું વર્ણન અમૃતચંદ્રસ્વામીએ પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કર્યું છે. એવા ઉપાય વડે જે
પોતાના પ્રયોજનને સાધે તે જ સાચો પુરુષ છે.
(પુરુષાર્થ સિદ્ધિઉપાયના પ્રવચનમાંથી)