: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : પ :
પરમ શાંતિ દાતારી
અધ્યાત્મ ભાવના
[વીર સં. ૨૪૮૨ અષાડ વદ ૧૨ : સમાધિશતક ગા. ૭૭]
(અંક ૨૭૮ થી ચાલુ) (લેખાંક ૪૪મો)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
જેને આત્મસ્વરૂપમાં જ આત્મબુદ્ધિ થઈ છે ને દેહાદિને પોતાથી જુદા જાણ્યા છે
એવા અંતરાત્માને મરણપ્રસંગ આવતાં શું થાય છે તે હવે કહે છે–
आत्मन्येवात्मधीरन्यां शरीरगतिमात्मनः।
मन्यते निर्भयं त्यक्तवा वस्त्रं वस्त्रांतरग्रहम् ।।७७।।
ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેમાં જ જેણે એકત્વબુદ્ધિ કરી છે, ને દેહની ગતિ–
પરિણતિને પોતાથી અન્ય જાણી છે–એવા ધર્માત્માને દેહ છૂટવાના પ્રસંગ આવતાં પણ તે
નિર્ભય રહે છે, હું મરી જઈશ એવો ભય તેને થતો નથી, તે તો જેમ એક વસ્ત્ર છોડીને
બીજું વસ્ત્ર ગ્રહણ કરવામાં આવે તેમ મરણને પણ ફક્ત દેહનું રૂપાંતર જાણે છે. એક શરીર
પલટીને બીજું શરીર આવે, તે બંને શરીરોથી પોતાના આત્માને જુદો જાણે છે.
ધર્મી અંતરાત્મા પોતાના જ્ઞાનપરિણમનને જ પોતાનું જાણે છે, શરીરના
પરિણમનને તે પોતાનું નથી જાણતા, તેને તો તે જડનું પરિણમન જાણે છે. શરીરની
ઉત્પત્તિ, બાલ–યુવાન–વૃદ્ધ અવસ્થાઓ કે મરણ તે બધાયથી હું જુદો છું, હું તો જ્ઞાનસ્વરૂપ
છું; શરીર છૂટતાં મારું જ્ઞાન છૂટતું નથી માટે મારું મરણ નથી, એવા ભાનમાં ધર્માત્માને
મરણનો ભય નથી. એક શરીર બદલીને બીજું આવ્યું, ત્યાં મને શું? હું તો સળંગપણે
રહેનાર જ્ઞાનસ્વરૂપ જ છું. જેમ વસ્ત્ર પલટતાં માણસ દુઃખી થતો નથી તેમ શરીરને
વસ્ત્રની માફક પોતાથી ભિન્ન જાણનાર જ્ઞાનીને શરીર પલટતાં દુઃખ નથી થતું. હજી તો
આ શરીર અહીં ભડભડ બળતું હોય તે પહેલાં તો આત્મા સ્વર્ગમાં ઉપજી ગયો હોય. એ
શરીરની ક્રિયાઓનું સ્વામીપણું આત્માને નથી–એમ પહેલેથી જ્ઞાનીએ દેહની ભિન્નતા જાણી
છે. મારા વિવિધ પરિણામને લીધે શરીરની વિવિધ પરિણતિ થાય છે એમ ધર્મી માનતા
નથી. ધર્મી તો જ્ઞાનપરિણામને જ પોતાનું કાર્ય જાણે છે, એટલે કે તે જ્ઞાતાપણે જ રહે છે.