Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 47

background image
: ૧૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
હાસ્યવડે માતાપિતાના હર્ષને વધારતા હતા. ચન્દ્રમા સમાન ભગવાનની ઉજ્જવલ
બાલ્યાવસ્થા જગતને આનંદ દેનારી હતી. ક્રમે ક્રમે ભગવાનને વાણી પ્રગટી, ને ધીમે
ધીમે પા–પા પગલી ભરવા લાગ્યા...ને સૌનો આનંદ વધારવા લાગ્યા. નાનકડા
ભગવાન દેવબાલકોની સાથે રત્નોની ધૂળમાં રમતા હતા, ને માતા–પિતાને તથા
પ્રજાજનોને આહ્લાદ પમાડતા હતા.
ધીમે ધીમે બાલ્યાવસ્થા વીતી ને ભગવાન કુમાર થયા. મહાપ્રતાપી ભગવાનનું
શરીર કુમારઅવસ્થામાં ઘણી જ શોભાથી ખીલી ઊઠયું, ને ગુણોમાં પણ વૃદ્ધિ થવા
લાગી. તે વખતે તેમનું મનોહર શરીર, મધુરી બોલી, મીઠી નજર અને મલકતા મુખની
વાતચીત–એ બધું ય સંસારની પ્રીતિને ભૂલાવી દેતું હતું ને ભગવાન પ્રત્યે પરમ પ્રીતિ
ઉપજાવતું હતું.
મતિ–શ્રુત ને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત જ ભગવાન અવતર્યા હતા તેથી
સમસ્ત વિદ્યા અને લોકસ્થિતિને તેઓ સ્વયં જાણતા હતા. તેઓ સમસ્ત વિદ્યાના ઈશ્વર
હતા તેથી તેમને સર્વે વિદ્યાઓ સ્વયમેવ પ્રાપ્ત થઈ હતી. એ યોગ્ય જ છે કેમકે
પૂર્વજન્મનો અભ્યાસ સ્મરણશક્તિને અત્યંત પુષ્ટ રાખે છે. કોઈના શીખવ્યા વગર જ
તેઓ બધી વિદ્યા જાણતા હતા.
ક્ષાયિક સમ્યગ્દર્શન વડે ભગવાનનું ચિત્ત નિર્મલ હતું, ને સ્વાભાવિક સરસ્વતી
વડે તેમના વચન પણ નિર્દોષ હતા. તેમને સ્વભાવથી જ શાસ્ત્રજ્ઞાન હતું ને તે
શાસ્ત્રજ્ઞાનને લીધે તેમના પરિણામ બહુ જ શાન્ત રહેતા હતા, ને તેમની ચેષ્ટાઓ
જગતનું હિત કરનારી હતી. જેમ જેમ તેમનું શરીર અને ગુણો વધતા જતા હતા તેમ
તેમ લોકોનો હર્ષ પણ વધતો જતો હતો. એ રીતે જગતના આનંદને વધારતા વધારતા
તે ભગવાન વૃદ્ધિને પામતા હતા. પૂર્વસંસ્કારથી પ્રાપ્ત અનેક પ્રકારની વિદ્યાઓ
(લિપિવિદ્યા, ગણિતવિદ્યા વગેરે) તથા કળાઓ (સંગીત–ચિત્રકળા વગેરે) તેઓ
બીજાને શીખવતા હતા. ક્્યારેક મોર, પોપટ, હંસ, કુકડો, કે હાથીના બચ્ચાનું રૂપ ધારણ
કરનારા દેવકુમારોની સાથે આનંદથી ક્રીડા કરતા હતા; ક્્યારેક દેવીઓએ પૂરેલી રત્નોની
રંગોળીને આનંદથી દેખતા હતા; ક્્યારેક પોતાના દર્શન માટે આવેલા પ્રજાજનો સાથે
મધુર હાસ્ય સહિત સંભાષણ કરીને તેમને આનંદિત કરતા હતા;
ક્યારેક દેવકુમારો સાથે નંદનવનમાં ક્રીડા કરતા હતા. એ પ્રમાણે ભગવાન સુખપૂર્વક
રહેતા હતા, ને દરરોજ ઈન્દ્રદ્વારા મોકલેલા શ્રેષ્ઠ વસ્ત્રાભૂષણ વગેરે ભોગોનો ઉપભોગ
કરતા થકા વૃદ્ધિને પામતા હતા.