Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 47

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
અંધારાને જાણનારો છું–એમ જાણે છે. તેમ રાગાદિભાવો અંધારા જેવા છે તે અજ્ઞાનમય
ભાવોને જાણનાર પોતે અજ્ઞાનમય નથી; અજ્ઞાનમય ભાવો પોતે પોતાને નથી જાણતા, તેને
જાણનાર તો જ્ઞાનમય છે. રાગાદિને જાણતાં ‘આ રાગાદિ જ હું છું’ એમ અજ્ઞાની અનુભવે
છે; પણ રાગને જાણતાં ‘આ રાગ છે, ને હું તો જ્ઞાન છું’ એમ જ્ઞાન અને રાગની ભિન્નતાનો
અનુભવ કરવો તે જ્ઞાનકળા છે; તેને જ પ્રજ્ઞાછીણી કહેવાય છે. આવી પ્રજ્ઞાછીણી પ્રગટ કરવી
તે ધર્મ છે, તે મોક્ષનું સાધન છે.
* * *
ધર્મીજીવ–કે જેણે પ્રજ્ઞાવડે રાગથી જુદો આત્મા અનુભવ્યો છે, તે જાણે છે કે મારો
આનંદ મારામાં ભરેલો છે, એને જાણીને હે જિનેશ્વરદેવ! ‘ધર્મ’ એવો આત્માનો સ્વભાવ તેનું
અમે શરણ લીધું છે, શ્રદ્ધામાં–જ્ઞાનમાં તેનું જ આલંબન લીધું છે, તે ધર્મનો અમને રંગ લાગ્યો
છે, તેમાં હવે ભંગ પડવાનો નથી. ચૈતન્યની જે પ્રીતિ લાગી તેમાં હવે બીજાની પ્રીતિ વચ્ચે
કદી આવવાની નથી. –આમ નિઃશંકપણે ધર્મી જીવ મોક્ષનો સાધક થયો છે. આવું ભાન ને
આવું સાધકપણું નરકના જીવોનેય થઈ શકે છે, બાળકને પણ થઈ શકે છે. ને આવું જ્ઞાન કરવું
તે જ ધર્મનો ઉપાય છે.
વૈરાગ્ય સમાચાર
* સોનગઢ પાસે જીંથરી હોસ્પિટલમાં મીઠાલાલભાઈ રખિયાલવાળાનો સ્વર્ગવાસ થયાના
સમાચાર લાઠી મુકામે આવ્યા...ને વાતાવરણ એકદમ વૈરાગ્યમાં પલટાઈ ગયું. હજી તો બે દિવસ પહેલાં
ગુરુદેવે સોનગઢથી વિહાર કરતાં પહેલાં જીંથરી જઈને તેમને દર્શન દીધેલા, તે વખતે તબીયત સુધારા ઉપર
હતી; એ વાતને પૂરા ૪૮ કલાક પણ ન થયા ત્યાં તો હાર્ટફેઈલથી તેઓ સ્વર્ગવાસ પામી ગયા. તેઓ કહેતા
કે–ગુરુદેવ ચારમાસ માટે બહાર જાય છે પણ મારા આ જીવનનો શો ભરોસો? તેમને શરીરની દરકાર ન
હતી; તેઓ કહેતા કે હિંમતનગરના પંચકલ્યાણક ઉત્સવ વખતે તો હું જરૂર આવીશ, ડોકટર મને રજા નહિ
આપે તોપણ હું તો આવીશ. –આ વૈરાગ્યપ્રસંગને પ્રવચનમાં પણ ગુરુદેવ યાદ કરતા હતા. તેઓ તત્ત્વના
જિજ્ઞાસુ હતા, ઉત્સાહી હતા, રખિયાલમાં ભવ્ય દિ. જિનમંદિર બંધાવવામાં તેમનો ઘણો ઉત્સાહ હતો; ને
અવારનવાર સોનગઢ આવીને તેઓ લાભ લેતા હતા.
* ગુરુદેવ જસદણ બિરાજતા હતા તે દરમિયાન સોનગઢથી ગુણશ્રીજીના સ્વર્ગવાસના સમાચાર
આવ્યા, જેઓ પ્રથમ શ્વેતાંબર સંપ્રદાયમાં સાધ્વી હતા, પણ પાછળથી છેલ્લા વીસેક વર્ષથી જિજ્ઞાસુભાવે
સોનગઢ રહીને ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ બિમાર હતા; ને થોડા
દિવસ પહેલાં પૂ. ગુરુદેવ તેમને દર્શન દેવા પધાર્યા હતા, તથા પૂ. બેનશ્રીબેને પણ પધારીને તેમને ઉચ્ચ
આત્મભાવના સંભળાવી હતી. સોનગઢમાં ગુરુદેવના વિહાર પછી આઠમે દિવસે તેઓ સ્વર્ગવાસ પામ્યા.
* રાણપુરવાળા રાયચંદ જીવરાજભાઈ ખંધાર તા. ૨૯–૧–૬૭ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ
પામ્યા છે. –સદ્ગત આત્માઓ દેવ–ગુરુના શરણે આત્મશાંતિ પામો.