Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 47

background image
વા.....ત્સ.....લ્ય
‘આપણે સૌ સાધર્મી’ એવા ધાર્મિક વાત્સલ્યની ઉત્તમતાસૂચક લેખ ગતાંકમાં
આ સ્થાને પ્રગટ થયેલ, તે સંબંધમાં વાંચકોએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. ગુરુદેવના
પ્રભાવે જેમ આજે જ્ઞાનપ્રભાવના ભારતભરમાં વિકસી રહી છે તેમ સર્વત્ર સાધર્મીઓમાં
વાત્સલ્ય પણ વિસ્તરી રહ્યું છે, –તે દેખીને હર્ષ થાય છે. બંધુઓ, ચારેકોર વિકથાથી કે
કુતત્ત્વોથી ભરેલા આ સંસારમાં સાચા વીતરાગી દેવ–ગુરુ–ધર્મના ઉપાસક જીવો બહુ
થોડા છે; એવા સાધર્મીના મિલનથી કે એની પાસેથી ધર્મચર્ચાના બે શબ્દો સાંભળવાથી
મુમુક્ષુને આ અસાર સંસારનો ભાર ઊતરી જાય છે. સાધર્મીઓના મિલનમાં તો
વીતરાગી ધર્મનું બહુમાન, ધર્માત્મા જીવોની પ્રશંસા, દેવ–ગુરુ–શાસ્ત્રની ઉપાસનાસંબંધી
ચર્ચા–એવા જ પ્રસંગ હોય, સંસારના પ્રસંગ ત્યાં ન હોય. આમ સાધર્મીનો સંગ ધર્મની
ભાવના પુષ્ટ કરે છે. એટલે જ્યાં પોતાની ધર્મભાવના પુષ્ટ થાય ત્યાં જિજ્ઞાસુને
વાત્સલ્યની ઉર્મિ સહેજે આવે છે. એક જ ગામે જતા બે વટેમાર્ગુ રસ્તામાં ભેગા થતાં
પણ પરસ્પર સ્નેહ જાગે છે, તેમ એક જ ધર્મને ઉપાસીને મોક્ષપુરી તરફ જઈ રહેલા
મોક્ષના બે વટેમાર્ગુઓને પણ પરસ્પર ધર્મસ્નેહ જાગે છે કે અહો! જે માર્ગે હું જાઉં છું તે
જ માર્ગે મારા સાધર્મીઓ આવે છે, એક જ પથના અમે પથિક છીએ. –અમારા દેવ એક,
અમારા ગુરુ એક, અમારો ધર્મ એક, અમારો માર્ગ એક. –આવું એકત્વ હોય ત્યાં
વાત્સલ્ય હોય જ. ધર્માત્માઓનાં વાત્સલ્યઝરણાં તો કોઈ અદ્ભુત હોય છે. આ કાળે
ધર્માત્માઓનું એવું વાત્સલ્ય જોવા મળવું –એ પણ મહાન ભાગ્ય છે. વાત્સલ્યવંતા
ધર્માત્માનાં બે શબ્દો પણ સંસારના બધા કલેશને ખંખેરી નાંખે છે. અંજના સતી
દુનિયાથી તરછોડાયેલી, પણ જ્યારે મુનિઓના શ્રીમુખથી ધર્મવાત્સલ્ય ભરેલાં વચન
સાંભળે છે ત્યાં તો આનંદથી ઉલ્લસી જાય છે ને જીવનના બધા દુઃખ ભૂલાઈ જાય છે.
આમ વાત્સલ્ય એ એક મહાન ઔષધ છે. સંસારસંબંધી રાગબંધન તો જીવને મોહિત
કરનારું છે, પણ ધર્મસંબંધી સ્નેહરૂપ જે સાધર્મી–વાત્સલ્ય તે મોહબંધન તોડવા અને
ધર્મને સાધવા માટે ઉત્સાહ પ્રેરનારું છે. ગુરુદેવાદિ સંતધર્માત્માઓના પ્રતાપે આવું
વાત્સલ્ય સાધર્મીઓમાં સર્વત્ર પ્રસરી રહ્યું છે...તે વાત્સલ્ય વધુ ને વધુ વિસ્તરો.
––जयजिनेन्द्र