: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
ખરેખર સાંભળ્યો છે, કેમ કે શ્રીગુરુ પણ દેહથી ભિન્ન આત્માને જાણીને તેમાં જ
અંતર્મુખ થવાનું કહે છે. બીજા પાસેથી શ્રવણનો શુભભાવ હો, કે બીજાને સંભળાવવાનો
ભાવ હો, –તે કાંઈ સ્વ–અભ્યાસ નથી, તે તો રાગ છે. તે રાગની ભાવનાથી મોક્ષ માને
તો તે મિથ્યાદ્રષ્ટિ છે. કોઈ એમ માને કે “જગતના ઘણા જીવો જો્ર અમારા નિમિત્તે ધર્મ
પામતા હોય તો અમારે ભલે સંસારમાં થોડો વખત રહેવું પડે”–તો તે જીવ મોટો મૂઢ છે,
તેને સ્વ–અભ્યાસની ભાવના નથી પણ પરને સમજાવવાની ને રાગની ભાવના છે, ઊંડે
ઊંડે જગત પાસેથી ધર્મના બહાને માન લેવાની તેની ભાવના છે. ‘અમારું ભલે ગમે
તેમ થાય પણ અમારે તો બીજાનું હિત કરવું છે’ –એવી વાત સાંભળીને સાધારણ લોકો
તો ખુશી થઈ જાય કે વાહ! આને કેવી ભાવના છે! આ કેવા પરોપકારી છે! પણ જ્ઞાની
કહે છે કે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, તેને હજી ભવભ્રમણનો ભય થયો નથી; અરે, મારો
આત્મા આ ચારગતિના ભવભ્રમણથી કેમ છૂટે –એવી તેને દરકાર નથી; તેને પરને
સમજાવવાની ભાવના છે પણ આત્માની ભાવના નથી. અરે, મારો આત્મા આત્માની
ભાવના વગર અનાદિકાળની ચારગતિના ઘોર દુઃખ ભોગવી રહ્યો છે, તેનાથી હવે મારો
છૂટકારો કેમ થાય? –એમ વિચારીને ધર્મી તો દેહાદિથી ભિન્ન પોતાના આત્માની જ
ભાવના ભાવે છે, ને તેમાં જ એકાગ્ર થવાનો અભ્યાસ કરે છે. આત્મામાં એકાગ્રતાનો
અભ્યાસ જ મોક્ષનું કારણ છે. એ સિવાય પરના અવલંબને શ્રવણ–મનન કે ધારણા તે
મોક્ષનું કારણ નથી, તે તો માત્ર વિકલ્પ છે–રાગ છે. ને જો તે રાગથી સંવર–નિર્જરારૂપ
ધર્મ થવાનું માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે; તેને રાગનો અભ્યાસ છે પણ આત્માનો અભ્યાસ
નથી. અરે જીવ! શ્રવણ કરવાનો કે બીજાને શ્રવણ કરાવવાનો રાગભાવ તે આત્મા નથી
ને વાણીનો ધોધ વછૂટે તેમાં પણ આત્મા નથી, આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ છે, –એમ
ઓળખીને અંતર્મુખ જ્ઞાનાનંદ સ્વભાવનો અનુભવ કર. જ્ઞાયકસ્વરૂપમાં જેટલી
એકાગ્રતા કર તેટલું તારું હિત છે, ને તે જ મોક્ષનું કારણ છે. વાણી કે વાણી તરફનો
વિકલ્પ તે કોઈ તને શરણરૂપ નહિ થાય. તીર્થંકર પરમાત્માની દિવ્યધ્વનિ ગણધરદેવ
સાંભળે છતાં તેમને પણ તે વાણી તરફનો જે વિકલ્પ છે તે તો રાગ છે, તે કાંઈ ધર્મ
નથી; પણ અંતરમાં રાગરહિત વીતરાગી લીનતા વર્તે છે તે જ ધર્મ છે ને તે જ મોક્ષનું
કારણ છે. જુઓ, સંતો પોતે એમ કહે છે કે હે જીવ! અમારી વાણી તરફના વલણથી
તારું હિત નથી, તારું હિત તારા જ્ઞાયકસ્વરૂપમાં વલણથી જ છે, માટે તું તારા
સ્વભાવમાં અંતર્મુખ થઈને તેની શ્રદ્ધા–જ્ઞાન કર, ને તેનો વારંવાર અભ્યાસ કરીને તેમાં
એકાગ્રથા, –આવા સ્વ–અભ્યાસથી જ તારી મુક્તિ થશે. ।। ૮૧।।
અંતરાત્માએ દેહથી ભિન્ન આત્માની કેવી ભાવના કરવી તે હવે કહેશે.