Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 53

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
આ પ્રમાણે વૈરાગ્યચિન્તનપૂર્વક ભગવાન આ અસાર સંસારથી વિરક્ત થયા, ને
શીઘ્ર મુક્તિને સાધવા માટે ઉદ્યમી થયા. એ વખતે ભગવાનને એવી વિશુદ્ધી પ્રગટી–જાણે
કે મુક્તિની સખી જ આવી પહોંચી. મોક્ષમાં જ જેમનું ચિત્ત લાગેલું છે એવા તે
ભગવાનને આખું જગત શૂન્ય જેવું અસાર લાગતું હતું. ભગવાનના અંતઃકરણની
સમસ્ત ચેષ્ટાઓ ઉપરથી ઈન્દ્રે અવધિજ્ઞાનવડે જાણી લીધું કે ભગવાન હવે સંસારથી
વિરક્ત થઈ ગયા છે ને મુનિદશા માટે તત્પર થયા છે.
તરત જ બ્રહ્મસ્વર્ગમાંથી લોકાંતિક દેવો ભગવાનના તપકલ્યાણકની પૂજા કરવા
ઊતર્યા; ને સ્તુતિપૂર્વક વૈરાગ્યનું અનુમોદન કર્યું. આઠ પ્રકારના તે લોકાન્તિકદેવો
પૂર્વભવમાં સંપૂર્ણ શ્રુતજ્ઞાનના અભ્યાસી (શ્રુતકેવળી) હોય છે, ઘણા શાન્ત ને સર્વ
દેવોમાં ઉત્તમ હોય છે, તથા એકાવતારી હોય છે, લોકનો અંત પામ્યા હોવાથી અથવા
બ્રહ્મલોકના અંતમાં રહેતા હોવાથી તેઓ લોકાન્તિક કહેવાય છે. મુક્તિસરોવરના કિનારે
રહેલા તે દેવો સ્વર્ગના હંસ જેવા છે. તેમણે આવીને કલ્પવૃક્ષનાં ફૂલોવડે ભગવાનના
ચરણોમાં પુષ્પાંજલિ ચઢાવી ને સ્તુતિ કરી કે હે ભગવાન! મોહશત્રુને જીતવા માટે આપ
ઉદ્યમી થયા છો તે એમ સૂચવે છે કે ભવ્યજીવો પ્રત્યે ભાઈપણાનું કાર્ય કરવાનો આપે
વિચાર કર્યો છે. અર્થાત્ ભાઈની જેમ ભવ્ય જીવોની સહાયતા કરવાનો આપે વિચાર
કર્યો છે. હે જ્યોતિસ્વરૂપ દેવ! અમે આપને સમસ્ત ઉત્તમ કાર્યોના કારણ સમજીએ
છીએ. પ્રભો, કેવળજ્ઞાનના પ્રકાશવડે આપ અજ્ઞાનમાં ડુબેલા સંસારનો ઉદ્ધાર કરશો.
આપે દેખાડેલા ધર્મતીર્થને પામીને ભવ્યજીવો આ દુસ્તર સંસારસમુદ્રને રમતમાત્રમાં
તરી જશે. આપની વાણી ભવ્યજીવોના મનને પ્રફુલ્લિત કરશે. પ્રભો! આપ ધર્મતીર્થના
નાયક છો. મોહરૂપી કીચડમાં ફસાયેલા આ જગતને ધર્મરૂપી હાથનો સહારો દઈને આપ
શીઘ્ર ઉદ્ધાર કરશો. પ્રભો! આપ સ્વયંભૂ છો, મોક્ષનો માર્ગ આપે સ્વયં જાણી લીધો છે
ને અમને બધાને પણ આપ તે મુક્તિમાર્ગનો ઉપદેશ દેશો. પ્રભો! અમે તો આપને
પ્રેરણા કરનારા કોણ? આ તો માત્ર અમારો નિયોગ છે. આ ભવ્યચાતકો મેઘની માફક
આપના ધર્મામૃતની રાહ જુએ છે. પ્રભો! અત્યારનો કાળ આપના ધર્મરૂપી અમૃતને
ઉત્પન્ન કરવા માટે યોગ્ય છે, માટે હે વિધાતા! ધર્મની સૃષ્ટિ કરો. પ્રભો! અનેકવાર
ભોગવાઈ ચુકેલા ભોગોને હવે આપ છોડો. ફરીફરીને ગમે તેટલી વાર ભોગવવા છતાં
એ ભોગોના સ્વાદમાં કાંઈ નવીનતા આવી જતી નથી; માટે તે ભોગને છોડીને મોક્ષને
માટે ઊઠો ને ઉદ્યમવડે મોહશત્રુને જીતો.