Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 53

background image
: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
સેંકડો રાજાઓ સાથે ભગવાનના તપકલ્યાણકનો ઉત્સવ જોવા માટે પાછળ–પાછળ જઈ
રહ્યા હતા. સમ્રાટ ભરત અને તેના ભાઈઓ પણ મોટી વિભૂતિ લઈને ભગવાનની
પાછળ જતા હતા. ભગવાન આકાશમાં એટલે ઊંચે ગમન કરતા હતા કે જ્યાંથી લોકો
તેમને બરાબર જોઈ શકે.
અયોધ્યાથી થોડે દૂર સિદ્ધાર્થક નામના વનમાં આવીને એક પવિત્ર શિલા ઉપર
પ્રભુ બિરાજ્યા. ચન્દ્રકાન્તમણિની એ શિલા એવી શોભતી હતી–જાણે કે સિદ્ધશિલા જ
દીક્ષાકલ્યાણક જોવા માટે નીચે ઊતરી હોય! એના પર આશ્ચર્યકારી મંડપ અને રત્નોની
રંગોળી હતી. એ શિલા જોતાં, જન્માભિષેક વખતની પાંડુકશિલાની શોભા ભગવાનને
યાદ આવી. ભગવાન જગતના બંધુ હોવા છતાં સ્નેહબંધનથી રહિત હતા. દીક્ષા પહેલાં
ભગવાને દેવ–મનુષ્યોની સભાને યોગ્ય ઉપદેશવડે સંબોધીને પ્રસન્ન કરી. અને દીક્ષા
માટે પહેલાં જો કે બંધુવર્ગને પૂછ્યું હતું, તોપણ અત્યારે ફરીને ગંભીરવાણીથી પૂછીને
સંમતિ લીધી.
કોલાહલ દૂર થયો ને એકદમ શાન્તિ પ્રસરી ગઈ,
ત્યારે ગંભીર મંગલનાદ સાથે ભગવાને અન્તરંગ અને
બહિરંગ પરિગ્રહ છોડી દીધો. આત્માની, દેવોની અને
સિદ્ધોની સાક્ષીપૂર્વક સમસ્ત પરિગ્રહ છોડીને ભગવાન
મુનિ થયા, પૂર્વદિશાસન્મુખ પદ્માસન લગાવી,
સિદ્ધપરમેષ્ઠીને નમસ્કાર કરીને, પંચમુષ્ઠિથી કેશલોચ
કર્યો. દિગંબર રૂપધારક ભગવાન જિનદીક્ષા લઈને સમસ્ત
પાપોથી વિરક્ત થયા ને સમભાવરૂપ ચારિત્ર (સામાયિક) ધારણ કર્યું. જે તિથિએ
જન્મ્યા તે જ તિથિએ, ફાગણ વદ નવમીની સાંજે ભગવાને મુનિદશા ધારણ કરી.
ભરતક્ષેત્રના આદ્યમુનિરાજ એવા શ્રી ઋષભમુનિરાજને નમસ્કાર હો.
બાહ્યપ્રવૃત્તિ વડે તારી અધિકતા નથી,
તું જેટલો અંદર સમા, તેટલી તારી અધિકતા છે.