: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૧ :
હિંમતનગરમાં સંવરધર્મ
હિંમતનગર (ગુજરાત) માં પંચકલ્યાણક–પ્રતિષ્ઠામહોત્સવ નિમિત્તે
પૂ. ગુરુદેવ આઠ દિવસ (માહ સુ. ૪ થી ૧૧) પધાર્યા હતા; તે દરમિયાન
આ આત્મા અસંખ્યપ્રદેશી ઉપયોગસ્વરૂપ વસ્તુ છે. રાગાદિ પરભાવો તે ખરેખર
આત્માના ચૈતન્યક્ષેત્રનો પાક નથી; ચૈતન્યક્ષેત્રમાં તો જ્ઞાનના ને આનંદના પાક પાકે
એવો એનો સ્વભાવ છે. આવા આત્માને જેણે જાણ્યો તેને અનંત ભવનું મૂળ એક
ક્ષણમાં છેદાઈ ગયું.
પ્રભુ, આત્માનું હિત કરવા માટે આ ઊંચો અવસર છે. વિકારનો જેમાં સ્પર્શ
નથી–એવો જે ભૂતાર્થ આત્મસ્વભાવ ઉપયોગસ્વરૂપ છે, તે જ ધર્મીને ધ્યાનનું ધ્યેય છે,
સમ્યગ્દ્રષ્ટિનું ધ્યાન ખાલી હોય નહીં; એના ધ્યાનમાં આનંદના તરંગ ઉલ્લસે છે. તારે
આત્માને ધ્યાનમાં લેવો હોય તો અચ્છિન્નપણે રાગથી ભિન્ન ઉપયોગની ભાવના કર.
ભેદજ્ઞાનની અચ્છિન્ન ભાવના વડે શુદ્ધાત્માનું ધ્યાન અને સંવર થાય છે. –એનું નામ ધર્મ છે.
રાગની ભાવના કરે તેને તો આસ્રવની ભાવના છે; તે તો રાગની રુચિમાં અટકે
છે; એટલે રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે બંધાય છે. રાગ અને જ્ઞાનની
અત્યંત ભિન્નતાની ભાવના વડે ભેદજ્ઞાન કરવું, તે ભેદજ્ઞાન જ સિદ્ધિનો ઉપાય છે.
ભાઈ, આવું ભેદજ્ઞાન નિરંતર ભાવવા યોગ્ય છે; આ મનુષ્ય અવતારમાં ને આવા
સત્સમાગમમાં અપૂર્વ ભેદજ્ઞાનનો અવસર તને મળ્યો છે. તેથી કહે છે કે અરે! આવો
અવસર આવ્યો છે તો–
હે આત્મા! તું ચૂકીશ મા!
વાલીડા મારા! તું ચૂકીશ મા!
આ અવસર તું ચૂકીશ મા!
સાથીડા મારા તું ચૂકીશ મા!
આવો મોંઘો અવસર અનંતકાળે મળ્યો છે, તેમાં આત્માના ભવનો અંત કેમ
આવે ને મોક્ષસુખ કેમ પ્રગટે–એવો ઉપાય કરજે.
ભગવાન પાર્શ્વનાથ પ્રભુએ આવો આત્મા સાધ્યો ને તીર્થંકર થઈને આવો
ઉપયોગસ્વરૂપ આત્મા જગતને દેખાડ્યો. તેનું જ્ઞાન કરવું તે સંવરધર્મ છે.