: ૨૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
‘ભાવ–નગર’ માં મંગલ પ્રવચન
જ્ઞાન–આનંદ વગેરે શુદ્ધ ચૈતન્ય ‘ભાવ’ થી ભરેલા
નગરમાં વસવું–તે મંગળ છે.
– –
ભાવનગરના મંગલ પ્રવચનમાં ‘ભાવનગર’ નો અર્થ સમજાવતાં પૂ. ગુરુદેવે
કહ્યું કે ‘ભાવ’ એટલે જ્ઞાન–આનંદ વગેરે અનંત સ્વભાવોથી ભરેલો આત્મા, તેનું જ્ઞાન
કરીને તેમાં વસે એટલે કે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન કરે તે ‘ભાવ–નગર’ માં
આવ્યો, બાકી તો બધા ભાનવગરના છે. ‘નગર’ તેને કહેવાય કે જેમાં કાંઈ કર ન હોય
(ન કર) કાંઈ ઊપાધિ ન હોય, પર ભાવનો બોજો ન હોય; આવા શુદ્ધ ચૈતન્યભાવથી
ભરેલું જે નગર, એવા ‘ભાવનગર’ ને ઓળખવું, ને રાગથી ભિન્ન થઈને તેમાં વસવું
તે મંગળ છે. તે મમ્–ગલ એટલે મમતારૂપી પાપને ગાળનાર છે ને ‘મંગલ’ એટલે
સુખને લાવનાર છે તેથી તે ‘ભાવ’ ને મંગળ કહે છે. મંગળ કહો કે ધર્મ કહો, કેમ કે ધર્મ
તે જ જગતમાં ઉત્કૃષ્ટ મંગળ છે. આવો મંગળભાવ પ્રગટ કરવા માટે આત્માનું સ્વરૂપ
ઓળખવું જોઈએ. તે કઈ રીતે ઓળખાય? એટલે કે શાસ્ત્રભાષામાં જેને ભેદજ્ઞાન
અથવા આત્મઅનુભવ કહે છે–તે કેમ થાય? તેની આ વાત છે.
આ આત્મા દેહથી જુદું અરૂપી તત્ત્વ છે, તે જ્ઞાનસ્વરૂપ છે. જેમ લીંડીપીપરમાં
૬૪ પહોરી તીખાશ ભરેલી છે, તેમ દરેક આત્મામાં સર્વજ્ઞ થવાની ને પૂર્ણ આનંદ પ્રગટ
કરવાની તાકાત શક્તિરૂપે ભરેલી છે, પણ પોતે પોતાની શક્તિને, પોતાની પ્રભુતાને
ભૂલીને રાગદ્વેષાદિ પરભાવોને જ નિજસ્વરૂપ માની રહ્યો છે, તેથી તે અજ્ઞાનભાવથી
સંસારની ચારગતિમાં ભ્રમણ કરી રહ્યો છે, પણ આત્મા દેહથી પાર રાગથી પાર, શુદ્ધ
ચૈતન્યસત્તાથી ભરપૂર છે. –એ જ મારું સ્વરૂપ છે. પુણ્યના શુભ, કે પાપના અશુભ
એવા જે કોઈ રાગભાવો થાય તેનાથી જ્ઞાનતત્ત્વ જુદું છે, તે જ્ઞાનતત્ત્વને રાગથી ભિન્ન
અનુભવતાં ભેદજ્ઞાનરૂપ ધર્મ થાય છે ને ભાવ–નગર એવું જે આત્માનું શુદ્ધસ્વરૂપ તેમાં
આત્મા પ્રવેશે છે ને આનંદના ભાવને અનુભવે છે.