: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
આબુનગરીમાં ગુરુદેવ સમજાવે છે–
મનુષ્યજીવનની મહત્તા
તા. ૨૭–૨–૬૭ ના રોજ આબુશહેરના ટાઉનહોલમાં
ભાઈ, આવો મનુષ્યદેહ મળ્યો છે, જ્ઞાનીઓ આ મનુષ્યભવને બીજા બધા કરતાં
ઉત્તમ કહે છે. –તેને ઉત્તમ કહેવાનું કારણ એ છે કે ધર્મનું સાધન મુખ્યપણે આ
મનુષ્યદેહમાં જ થાય છે. જો કે મનુષ્યોમાં કાંઈ બધાય મનુષ્યો ધર્મનું સાધન કરતા
નથી, પણ જેઓ વિવેક–બુદ્ધિવાળો છે, સત્ય–અસત્યનો વિવેક કરીને સમજે છે, ને
દેહાદિથી ભિન્ન ચૈતન્ય તત્ત્વને જાણે છે તે જ મનુષ્યો ધર્મને સાધે છે. બાકી તો મનુષ્યનું
શરીર અનંતવાર મળી ચૂક્યું, પર દેહથી ભિન્ન આત્માને ન જાણ્યો તો તેને ખરેખર
જ્ઞાનીઓ ‘મનુષ્ય’ નથી કહેતા, એ તો ‘मनुष्यरूपेण मृगाः चरन्ति।’ मन्यते ते
मनुष्याः એટલે કે જ્ઞાનાનંદસ્વરૂપ સિદ્ધસમાન આત્મા શું ચીજ છે તેને જે માને–જાણે–
અનુભવે તે સાચો માનવ છે.’ તેણે મનુષ્યપણાને સફળ કર્યું છે.
આચાર્યદેવ ઊંઘતા જીવોને જગાડીને કહે છે કે અરે જીવો! આત્મા તો સુખનું
ધામ છે; આ દેહ કે રાગ–તેમાં તમારું પદ ખરેખર નથી, તમારું પદ તો ચૈતન્યમય છે,
આનંદમય છે; તારા આવા પદનું મનન તો કર. આ મનુષ્યપણું પામીને તારા
ચૈતન્યપદમાં આવી જા, બહારમાં સુખ માનીને બહારમાં ભટકે છે, તેને બદલે અંતરમાં
તારા ચૈતન્યપદમાં આવી જા. નિજપદને ભૂલીને તું પર પદને પોતાનું માની રહ્યો છે ને
તેમાં સૂતો છે, તેને બદલે હે જીવ! તું આ સ્થિર ચૈતન્યપદ તરફ આવ! તું જાગ, ને
તારા શુદ્ધ ચૈતન્યપદને સંભાળ. –તારું એ પદ મહા આનંદમય છે. આવા તારા સ્વઘરમાં
તું કદી આવ્યો નથી. માટે હવે તો તેને ઓળખીને નિજપદરૂપી સ્વઘરમાં આવ.
આવા નિજપદને સંભાળીને તેની શ્રદ્ધા–જ્ઞાન–રમણતા વડે ધર્મની સાધના
કરવી–તેમાં જ આ મનુષ્યભવની મહત્તા છે. અને મનુષ્યપણું પામીને પણ જો આત્માની
દરકાર ન કરી, ધર્મની સાધના ન કરી. તો એ મનુષ્યભવની શી કિંમત! પશુમાં ને એમાં
શો ફેર? માટે જ્ઞાનીઓ કહે છે કે હે ભાઈ! આવું મોંઘું મનુષ્યપણું મળ્યું છે તો તેમાં હવે
આત્માનું સ્વરૂપ વિચારજે, ને આત્માનું કલ્યાણ કેમ થાય–તેવો ઉદ્યમ કરજે. –એમાં જ
મનુષ્યપણાની સફળતા છે.