: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
(તા. ૩–૪ માર્ચ : લાડનુ શહેરના પ્રવચનની પ્રસાદી)
જીવે અનાદિકાળથી પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપનો અનુભવ કર્યો નથી, રાગથી
ભિન્ન તેના સ્વાદને જાણ્યો નથી. તેણે અનાદિથી શું કર્યું? કે રાગના વિકારી સ્વાદને
પોતાનો માનીને અનુભવ્યો છે. અહીં ભગવાન કુંદકુંદસ્વામી કહે છે કે ભાઈ, રાગનો
સ્વાદ તે તારો સ્વાદ નથી, તારો સ્વાદ તો આનંદરૂપ છે, ચૈતન્યરૂપ છે. કુંદકુંદાચાર્યદેવ
વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્માના સમવસરણમાં પધાર્યા હતા, ને તેમની વાણી
સાંભળીને તેમણે આ સમયસાર શાસ્ત્ર રચ્યું છે. તેમાં કહે છે કે આત્માના સ્વરૂપમાં
જ્ઞાન–આનંદની પૂર્ણ તાકાત ભરી છે, તેના અનુભવ વિના તું રાગના સ્વાદને તારામાં
મિશ્રિત કરી રહ્યો છે. જડનો સ્વાદ તો અત્યંત જુદો છે, ને રાગનો સ્વાદ પણ તારા
ચૈતન્યના મધુર સ્વાદથી જુદો છે. અરે જીવ! આ તારા ચૈતન્યસ્વાદની વાત સંતો તને
સમજાવે છે.–ભાઈ, બહારની ને રાગની વાત તો તેં અનંતવાર સાંભળી, તેનો પ્રેમ કર્યો,
પણ ચૈતન્યની વાત તેં પ્રેમથી કદી સાંભળી નથી. માટે એવા દુર્લભ ચૈતન્યસ્વરૂપની
વાત સમજવાનો આ અવસર છે. આત્માનું ભાન થતાં તે જ ક્ષણે અપૂર્વ આનંદનો
અનુભવ થાય છે ને આત્મામાં મોક્ષના ભણકારા આવી જાય છે. આવા આત્મભાન
વિના બીજું બધું એકડા વગરના મીંડાં જેવું વ્યર્થ છે. અશુભ ને શુભરાગની વાત તો
અનંતકાળથી તેં સાંભળી છે ને અનુભવી છે, તેમાં કાંઈ ધર્મ નથી; પણ એ રાગથી પાર
ચૈતન્યતત્ત્વ શું છે તેને અનુભવમાં લે તો અપૂર્વ ધર્મ થાય. એક ક્ષણનો ધર્મ જરૂર મોક્ષ
આપે. પણ એ ધર્મની રીત શું છે તે જીવ સમજ્યો નથી ને રાગની ક્રિયાને ધર્મ માન્યો
છે. ભાઈ, ધર્મ કહો કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કહો, તેમાં તો આત્માનો અતીન્દ્રિય
આનંદ છે. ધર્મીને આવા આનંદનો અનુભવ થાય છે. તારું આનંદમય નિજઘર–કે જેમાં
રાગનો કદી પ્રવેશ નથી, તે નિજઘર સન્તો તને ઓળખાવે છે. અરે, આવું મનુષ્યપણું
પામીને જો તેં તારું નિજઘર ન જોયું ને આત્મજ્ઞાન ન કર્યું તો તેં કાંઈ કર્યું નથી, તારું
મનુષ્યપણું આત્મજ્ઞાન વગર નિષ્ફળ ચાલ્યું જશે. માટે, આત્માની રુચિ કરીને આ વાત
સમજવા જેવી છે.