: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
અમને...ગમે
“તમને શું ગમે”–એ વાત બાલવિભાગના સભ્યોને પૂછી હતી; ઘણા સભ્યોએ
ઉત્સાહપૂર્વક સરસ જવાબ લખ્યા છે. અમે વિચારેલો ટૂંકો જવાબ આ છે કે “–અમને
ગમે આત્મા.” હવે બાલવિભાગના નાના–મોટા સભ્યોએ પણ પોતાને શું ગમે તે સંબંધી
જે વિચારો લખ્યા છે. તે ઉપરથી બાળકોના હૃદયમાં કેવી સુંદર ભાવનાઓ રમી રહી છે
તેનો ખ્યાલ આવે છે. કોઈ લખે છે–અમને આતમરામ ગમે, કોઈ લખે છે અમને મોક્ષ
ગમે, કોઈ લખે છે કે અમને મુનિ થવું ગમે, કોઈ લખે છે કે સમ્યગ્દર્શન ગમે, તો કોઈ
લખે છે–અમને બાલવિભાગ ગમે. આ ઉપરાંત બાલવિભાગમાં ઘણા બંધુઓના પત્રો
આવ્યા છે, તેમના જવાબો વૈશાખ માસમાં પ્રગટ કરીશું. માટે સૌએ ધીરજ રાખવા
વિનંતિ છે. બાલવિભાગ પ્રત્યે બાળકોનો ખૂબ પ્રેમ હોવાથી પોતાના પત્રના જવાબ માટે
તેઓ ખૂબ આતુર રહે–એ સ્વાભાવિક છે, પરંતુ ગુરુદેવ સાથેના યાત્રાપ્રવાસમાં
મહત્વના કાર્યક્રમોને લીધે આમાં પહોંચી શકાતું નથી. માટે બંધુઓ, બે મહિના ધીરજ
રાખજો. આનંદથી ધાર્મિક અભ્યાસ કરજો. આત્મધર્મમાં યાત્રાપ્રવાસનું થોડું થોડું વર્ણન
આવે છે તે આનંદથી વાંચજો. તમે પત્ર લખવો હોય તો ખુશીથી (સોનગઢના સરનામે)
લખજો. તમને ધાર્મિક ઉત્સાહ આપવા માટે જ આપણો બાલવિભાગ છે. – जय जिनेन्द्र
અમને...ગમે
“તમને શું ગમે?” તેના જવાબમાં નીચેનું
કાવ્ય ગોંડલના સભ્ય નં. ૨૪૬ અરવિંદ
જૈન તરફથી મળ્યું છે–જે અગાઉ પણ
આપણા બાલવિભાગમાં આવી ગયું છે:–
મનેગમે આતમારામ,
કરું શાને બીજું કામ;
તન–ધનમાં નહીં સુખનં નામ,
સુખશાંતિનું હું છું ધામ.
જગ જાણે નહીં એનું નામ,
ગુરુ બતાવે–સુખનું ધામ;
જેને સમજાયે આ ભેદ,
તેનો થાયે સંસાર છેદ.
સૂચના:–
પૂ. ગુરુદેવ સાથેના પ્રવાસ
દરમિયાન ગામે ગામે જિજ્ઞાસુ સાધર્મીઓ
મળે છે, ‘આત્મધર્મ’ સંબંધી પોતાની
પ્રસન્નતા વ્યક્ત કરે છે; અને આનંદથી
ગુરુદેવનો લાભ લ્યે છે. તે ઉપરાંત અનેક
જિજ્ઞાસુ પાઠકો તરફથી ‘આત્મધર્મ’ ના
અંકો ન મળવા સંબંધી મુશ્કેલી પણ રજુ
કરવામાં આવે છે,–તો આ સંબંધમાં
જણાવવાનું કે રવાનગી વ્યવસ્થા સંપાદક
હસ્તક નથી; માટે વ્યવસ્થા બાબતમાં જે
કાંઈ સૂચના કે ફરિયાદ હોય તે ‘મેનેજર,
જૈન– સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ” સોનગઢ
(સૌરાષ્ટ્ર)–ને લખવા વિનંતી છે.