અહીંના સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાને પ૧૬ વર્ષ થયા; પ૧૬ વર્ષે આજે સોળઆની
પ્રસંગ ભજી ગયો. ભગવાનના જ્ઞાનમાં એ બધુંય દેખાય છે. ભગવાનની સર્વજ્ઞતાનો
સ્વીકાર કરીને પોતામાં સિદ્ધને સ્થાપીને જેણે મંગળ કર્યું તે હવે આગળ વધીને સિદ્ધ
થઈ જશે. –આ રીતે સિદ્ધ પ્રભુનો આદર કરીને તેમના જેવા પોતાના શુદ્ધસ્વરૂપને
ધ્યાવવું તે સિદ્ધપદની પ્રાપ્તિનો ઉપાય છે.
પરમ આનંદની પ્રાપ્તિ કરવા મારા પરમ આત્મસ્વરૂપને જાણું. –આમ
જેને જિજ્ઞાસા થઈ હોય તે આત્મસ્વરૂપનો નિર્ણય કરે. મારું
અસ્તિત્વ કેવું છે, મારા અસ્તિત્વમાં સામર્થ્ય કેટલું છે? પરમાં તો
મારું અસ્તિત્વ નથી. હવે જે રાગાદિ ભાવો દુઃખરૂપ છે–તેના જેટલું
જ શું મારું અસ્તિત્વ છે? ના. એ રાગની વૃત્તિથી પાર, દુઃખ વગરનું,
મારું કાયમી અસ્તિત્વ છે, –કે જેમાં પૂર્ણ સુખ ને પૂર્ણ જ્ઞાનનું સામર્થ્ય
ભર્યું છે. એના સેવનથી જ કેવળજ્ઞાનને સિદ્ધપદ પ્રગટે છે. મારો
સ્વભાવ સુખથી ભરેલો છે, તેના સેવનથી જ સુખનો અનુભવ
પ્રગટે. –આવા સમ્યક્નિર્ણય વડે સ્વસંવેદનથી અતીન્દ્રિય આનંદને
ધર્મીજીવ અનુભવે છે.