Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 41

background image
: ૨૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
આ પારમેશ્વરી જિનદીક્ષા ત્રણ જગતનું હિત કરનારી છે, ને સમ્યક્ત્વભાવની દેનારી છે,
તે અમને સદા પવિત્ર કરો. આપની આ દીક્ષા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નોથી
અલંકૃત છે. પ્રભો! ભવ–તન–ભોગરૂપ સંસારને સ્વપ્નસમાન જાણીને આપે છોડ્યો છે
ને અવિનાશી મોક્ષમાર્ગમાં ગમન કર્યું છે. પ્રભો, આપનામાં રાગ ન હોવા છતાં મોક્ષમાં
આપ આસક્ત થયા–એ આશ્ચર્યની વાત છે! વળી હે પ્રભો! હેય અને ઉપાદેય વસ્તુઓને
જાણીને આપે છોડવા જેવી વસ્તુઓને છોડી દીધી ને ઉપાદેય વસ્તુઓના ગ્રહણ માટે
ઉદ્યમી થયા, –અને છતાંય આપ સમદર્શી કહેવાઓ છો–એ પણ આશ્ચર્યની વાત છે!
આપ પરાધીન સુખ છોડીને સ્વાધીન સુખ પ્રાપ્ત કરવા માંગો છે, તથા અલ્પ વિભૂતિ
છોડીને ભારે મહાન વિભૂતિ પ્રાપ્ત કરવા ચાહો છો,–તો પછી આપ વિરક્ત અને ત્યાગી
કઈ રીતે થયા! હે ભગવાન! આપ નિર્ગ્રંથ હોવા છતાં કુશલ પુરુષો આપને જ સુખી કહે
છે. જ્ઞાનદીપક લઈને આપ મોક્ષમાર્ગે જઈ રહ્યા છો. આપના ધ્યાનરૂપી મહાન અગ્નિમાં
આઠે કર્મો ભસ્મીભૂત થઈ રહ્યા છે; આઠ કર્મના વનને છેદી નાંખવા માટે આપે
રત્નત્રયરૂપી કુહાડો ઉઠાવ્યો છે. પ્રભો! બીજે ક્્યાંય ન હોય એવી અદ્ભુત આપની આ
જ્ઞાન–વૈરાગ્યરૂપી સમ્પત્તિ જ આપને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે સમર્થ સાધન છે તથા
આપના શરણે આવેલા ભક્તજીવોના સંસારને પણ તે નષ્ટ કરે છે. –આવી ઉત્કૃષ્ટ
જ્ઞાનસમ્પત્તિને ધારણ કરનાર હે વીતરાગ! આપને નમસ્કાર હો.
મહારાજા ભરતે પણ પોતાના અનેક નાના બંધુઓ તથા પુત્રો સહિત, ભક્તિના
ભારથી અતિશય નમ્ર થઈને પોતાના પિતાની અનેક પ્રકારે સ્તુતિ તથા પૂજા કરી.
આત્મધ્યાનમાં લીનઅને મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યને સાધવામાં તત્પર એવા મોહવિજેતા
ભગવાન ઋષભમુનિરાજના ચરણોની અત્યંત ભાવપૂર્વક ભરતે પૂજા કરી.
એ પ્રમાણે
જેણે ભગવાનની પૂજા કરી છે તથા જેના ઘૂંટણ પૃથ્વી પર પડેલા છે (અર્થાત્
જે ઘૂંટણભર થઈને વંદન કરે છે), અને જેનાં નેત્રોમાં હર્ષનાં આંસુ છે–એવા તે
ભરતે પોતાના મુગટના ઉત્કૃષ્ટમણિના કિરણો વડે ભગવાનના ચરણોનું
પ્રક્ષાલન કરતાં ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક નમીને પોતાનું મસ્તક ભગવાનના
ચરણોમાં ઝુકાવ્યું; ને મહાન ગુરુભક્તિ પ્રગટ કરી.
એ પ્રમાણે ભગવાનનો
દીક્ષાકલ્યાણક ઊજવીને સૌ અયોધ્યા તરફ વિદાય થયા.
દીક્ષા બાદ ઋષભમુનિરાજ આત્મધ્યાનમાં લીન થયા...તરત તેમને
મનઃપર્યયજ્ઞાન તેમ જ અનેક લબ્ધિઓ પ્રગટ થઈ.
* * *