Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 41

background image
: ૨૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
શું મોટા હાથીના ભારને તેનું બચ્ચું કદી ઉપાડી શકે? ભૂખ–તરસથી થાકેલા તે
નગ્નરાજાઓ પોતાની મેળે વનમાં ફળ તોડીને ખાવા લાગ્યા ને તળાવનું પાણી પીવા
લાગ્યા. દિગંબર મુનિવેષમાં આવી અયોગ્ય પ્રવૃત્તિ જોઈને વનદેવતાએ તેમને મનાઈ
કરી અને કહ્યું કે આવા વેષમાં રહીને આવું ન કરો. અરે મૂર્ખો! આવું દિગંબર રૂપ તો
તીર્થંકરો અને ચક્રવર્તીઓ જેવા મહાપુરુષો પણ મોક્ષને સાધવા માટે ધારણ કરે છે; તેમાં
તમે આવી કાયર પ્રવૃત્તિ ન કરો. દિગંબર વેષમાં રહીને ફળ ન તોડો ને તળાવનું
અપ્રાસુક પાણી ન પીઓ.
વનદેવતાના આવા વચનો સાંભળીને તે રાજાઓ ડરી ગયા ને નગ્નવેષ છોડીને
વલ્કલ વગેરે અનેક પ્રકારનાં કુવેષ ધારણ કરીને સ્વચ્છંદપૂર્વક પ્રવર્તવા લાગ્યા. ભરતના
ભયને લીધે તેઓ નગરમાં ન ગયા ને વનમાં ઝુંપડાં બાંધીને રહેવા લાગ્યા. તેમના દ્વારા
અનેક પાખંડમત પ્રવર્ત્યા. આમ છતાં તેઓ પાણી અને ફળના ઉપહારવડે ભગવાનના
ચરણને પૂજતા હતા; કેમકે સ્વયંભૂ ભગવાન ઋષભદેવ સિવાય બીજા કોઈ દેવતા તેમને
ન હતા.
ભગવાનનો પૌત્ર મરીચીકુમાર પણ બાવો થઈ ગયો હતો અને મિથ્યા ઉપદેશ
આપીને તેણે ખોટા પંથ ચલાવ્યાહતા.
જ્યારે તે દ્રવ્યલિંગી મુનિઓ ભ્રષ્ટ થઈને ઉપરની પ્રવૃત્તિ કરતા હતા ત્યારે પણ
ભગવાન ઋષભદેવ તો અડોલપણે આત્મધ્યાનમાં જ ઊભા હતા. ત્રણ ગુપ્તિ તેમની
રક્ષક હતી, સંયમ તેમનું બખ્તર હતું ને સમ્યગ્દર્શન વગેરે ગુણો તેમના સૈનિકો હતા.
બાર પ્રકારના તપમાંથી ધ્યાનમાં તેઓ વિશેષ તત્પર રહેતા હતા. પાંચ મહાવ્રત, પાંચ
સમિતિ, પાંચ ઈન્દ્રિયનિરોધ, છ આવશ્યક, કેશલોચ, ભૂમિશયન, અદંતધોવન, નગ્નતા,
અસ્નાન, ઊભા ઊભા ભોજન અને દિવસમાં એકવાર ભોજન–આવા ૨૮ મૂળગુણ
ભગવાનના પાયદળ સમાન હતા. જોકે છ મહિનાથી ભગવાન જરાપણ ખાતા ન હતા,
તોપણ તેમના શરીરમાં રંચમાત્ર થાક ન હતો, તે એવું ને એવું દૈદીપ્યમાન હતું; તેમનો
એવો જ કોઈ દિવ્ય અતિશય હતો. તેમના વાળ જટાસમાન થઈ ગયા હતા, તે હવામાં
ઊડતા ત્યારે એવા લાગતા કે જાણે ધ્યાન–અગ્નિવડે તપાયેલા જીવરૂપી સોનામાંથી
કાળાશ બહાર ઊડતી હોય, ભગવાનના તપ–તેજના પ્રભાવથી તે વનમાં દિવસે તેમ જ
રાતે સૂર્યોદય જેવો ઉત્તમ પ્રકાશ રહેતો હતો. સિંહ ને હરણ શાંતિથી સાથે રહેતા હતા.
અહા! આ કેવું આશ્ચર્ય છે કે, કાંટામાં ફસાયેલ પોતાના પૂંછડાને છોડાવવા ચમરી ગાય
મહેનત કરી રહી છે તેને વાઘ પોતાના નખવડે દયાપૂર્વક મદદ કરી રહ્યો છે; હરણનાં
નાનાં બચ્ચાં વાઘણને પોતાની માતા સમજીને તેનું દૂધ ધાવી રહ્યા છે; વનના હાથી