Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 41

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
પોતાની સૂંઢમાં ખીલેલાં કમળ લાવીને પ્રભુના ચરણો પાસે ચઢાવે છે! ભગવાનના
આશ્ચર્યકારક તપવડે ઈન્દ્રાસન પણ કંપી ઊઠ્યું હતું.
ભગવાન આવા તપમાં લીન હતા તે દરમિયાન કચ્છ–મહાકચ્છ રાજાના પુત્રો
નમિ અને વિનમિ રાજકુમારો આવીને ભગવાનની સેવા કરવા લાગ્યા ને પ્રાર્થના કરવા
લાગ્યા કે હે ભગવાન! આપે બધાને રાજ્ય વહેંચી આપ્યું; પણ અમને તો કાંઈ ન
આપ્યું; અમને ભૂલી ગયા; માટે અમને કાંઈક ભોગ–સામગ્રી આપો. અમારા ઉપર
પ્રસન્ન થાઓ...આમ વારંવાર ભગવાનના પગ પકડીને પ્રાર્થના કરવા લાગ્યા ને તેમના
ધ્યાનમાં વિઘ્ન કરવા લાગ્યા.
ત્યારે પોતાનું આસન કંપાયમાન થવાથી અવધિજ્ઞાનવડે ધરણેન્દ્રે તે વાત જાણી
ને તરત ભગવાન પાસે આવીને પ્રથમ ભક્તિપૂર્વક પૂજા કરી, પછી વેશ બદલાવીને
નમિ–વિનમિકુમારોને સમજાવ્યા કે અરે કુમારો! આ ભગવાન તો ભોગોથી અત્યંત
નિસ્પૃહ છે, ને તમે તેમની પાસેથી ભોગોની યાચના કેમ કરી રહ્યા છો? તમારે
ભોગસામગ્રી જોઈએ તો રાજા ભરત પાસે જઈને માંગો ને! ભગવાન તો બધું છોડીને
મોક્ષનો ઉદ્યમ કરી રહ્યા છે તમને ભોગ–સામગ્રી ક્યાંથી દેશે? –માટે તમે ભરત પાસે
જાઓ.
એ સાંભળીને બંને કુમારો કહે છે કે હે મહાનુભાવ! આપ અહીંથી ચુપચાપ
ચાલ્યા જાઓ; અમારા કાર્યમાં તમારી સલાહની જરૂર નથી. જોકે આપ શાન્ત–સૌમ્ય–
તેજસ્વીને બુદ્ધિમાન છો, આપ કોઈ ભદ્રપરિણામી મહાપુરુષ લાગો છો, છતાં અમારા
કાર્યમાં કેમ વચ્ચે આવો છો–તે અમે જાણતા નથી. અમે તો ભગવાનને જ પ્રસન્ન કરવા
માંગીએ છીએ. ભગવાન ભલે વનમાં રહ્યા, તેથી શું તેમની પ્રભુતા મટી ગઈ?
ભગવાનને છોડીને ભરત પાસે જવાનું આપ કહો છો તે ઠીક નથી. મહાસમુદ્રને છોડીને
ખાબોચિયા પાસે કોણ જાય? ભરતમાં અને ભગવાન ઋષભદેવમાં મોટું અંતર છે તે શું
તમે નથી જાણતા?
ભગવાન ઋષભદેવ પ્રત્યે અત્યંત ભક્તિભરેલાં તેમનાં આવા વચનો સાંભળીને
ધરણેન્દ્ર પ્રસન્ન થયા ને પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હે કુમારો! હું ધરણેન્દ્ર છું ને
ભગવાનનો સેવક છું. ભગવાને મને આજ્ઞા કરી છે કે ‘આ કુમારો મહાન ભક્ત છે માટે
તેમને તેમની ઈચ્છા પ્રમાણે રાજસામગ્રી આપો.’ –માટે હે કુમારો! ચાલો, હું ભગવાને
બતાવેલી રાજસંપદા તમને આપું.