: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
ઋષભદેવના ચરણો સેવવાથી બંને કુમારો વિદ્યાધરોનું સુખ પામ્યા...માટે જે ભવ્ય જીવો
મોક્ષરૂપી અવિનાશી સુખને તથા જિનગુણોને પ્રાપ્ત કરવા ચાહતા હોય તેઓ આદિગુરુ
ભગવાન ઋષભદેવના ચરણોમાં મસ્તક ઝુકાવીને નમસ્કાર કરો તથા ભક્તિપૂર્વક
તેમની પૂજા કરો.
વર્ષીતપ બાદ હસ્તિનાપુરીમાં પ્રથમ પારણું
અચિન્ત્ય મહિમાવંત ભગવાન ઋષભદેવને છ માસનો ધ્યાનયોગ પૂર્ણ થયો.
ત્યારે તેમણે વિચાર્યું કે, મોટા મોટા વંશમાં ઉત્પન્ન થયેલા આ નવદીક્ષિત સાધુઓને
મુનિમાર્ગની આહારાદિ વિધિનું જ્ઞાન ન હોવાથી ક્ષુધાવડે તેઓ માર્ગભ્રષ્ટ થઈ ગયા.
તેથી, મોક્ષમાર્ગ શું છે, સુખપૂર્વક મોક્ષની સિદ્ધિ કેમ થાય, ને શરીરની સ્થિતિ માટે
નિર્દોષ આહાર લેવાની વિધિ શું છે–તે પ્રસિદ્ધ કરવાની જરૂર છે. –આમ વિચારી નિર્દોષ
આહારની પ્રવૃત્તિ અર્થે ભગવાન વિહાર કરવા લાગ્યા.
ભગવાન જ્યાં–જ્યાં પધારતા ત્યાંના લોકો પ્રસન્નતાથી આશ્ચર્યચક્તિ થઈને
પ્રણામ કરતા હતા; ને પૂછતા હતા કે હે દેવ! કહો શું આજ્ઞા છે? –જે કામ માટે આપ
પધાર્યા હો તેની અમને આજ્ઞા ફરમાવો. કેટલાક લોકો હાથી, રથ, વસ્ત્રાભૂષણ, રત્નો
તથા ખાવાપીવાની સામગ્રી ભગવાનને અર્પણ કરવા માટે લાવતા હતા, તો કોઈ
પોતાની યુવાન કન્યા ભગવાનને પરણાવવા તૈયાર થયા. અરેરે! આવી મૂર્ખતાને
ધિક્કાર હો!
ભગવાન ચુપચાપ ચાલ્યા જતા હતા. ભગવાન કેમ પધાર્યા છે ને શું કરવું–તે
નહિ સમજવાથી લોકો દિગ્મૂઢ બની ગયા હતા. કેટલાક લોકો આંસુભીની આંખે
ભગવાનના પગને વળગી પડતાં હતાં. –આ પ્રમાણે અનેક નગરમાં વિહાર કરતાં કરતાં
બીજા છ મહિના વીતી ગયા.
એક દિવસે ભગવાન કુરુદેશના હસ્તિનાપુર નગરમાં આવી પહોંચ્યા. તે વખતે
ત્યાંના રાજા સોમપ્રભ હતા, ને તેમના નાના ભાઈ શ્રેયાંસકુમાર હતા. આઠમાં ભવમાં
આહારદાન વખતે જે ‘શ્રીમતી’ હતી, ને પૂર્વભવમાં વજ્રનાભિ ચક્રવર્તીનો ધનદેવ
નામનો ગૃહપતી–રત્ન હતો, તે જ આ શ્રેયાંસકુમાર છે. ભગવાન જે દિવસે
હસ્તિનાપુરની નજીક પધારવાના હતા તે દિવસે પરોઢિયે, શ્રેયાંસકુમારે પૂર્વસંસ્કારના
બળે, મંગલ આગાહી સૂચક સાત ઉત્તમ સ્વપ્નો દેખ્યા–ઊંચો સુમેરૂપર્વત, સુશોભિત
કલ્પવૃક્ષ, કેશરી સિંહ, બળદ, સૂર્ય–ચન્દ્ર, રત્નોથી ભરેલો સમુદ્ર અને અષ્ટમંગલ સહિત
દેવો; ભગવાનનાં દર્શન એ જેનું મુખ્ય ફળ છે–એવા આ સાત મંગલસ્વપ્ન દેખીને
શ્રેયાંસકુમારનું ચિત્ત ઘણું પ્રસન્ન થયું.