ભગવાનના આગમનથી આનંદિત થઈને ચારે કોરથી નગરજનોનાં ટોળેટોળાં દર્શન
કરવા ઊમટ્યા. ભોળા લોકો કહેતા હતા કે ભગવાન ફરીને આપણી સંભાળ કરવા
પધાર્યા; ઋષભદેવ જગતનાં પિતામહ છે એમ કાને સાંભળ્યું હતું, તે જગતપિતાને આજે
આંખવડે નજરે દેખ્યાં. ભગવાનના આગમનની વાત સાંભળીને નગરજનો ભોજનાદિ
કાર્યો પડતા મુકીને જલ્દી જલ્દી દર્શન કરવા માટે ચાલ્યા. જ્યારે આખી નગરીમાં આવો
કોલાહલ થઈ રહ્યો હતો ત્યારે પણ ભગવાન તો પોતાના સંવેગ અને વૈરાગ્યની સિદ્ધિને
માટે કમર બાંધીને વૈરાગ્યભાવનાઓનું ચિન્તન કરતા કરતા પોતાની આત્મમસ્તીમાં
મસ્ત ચાલ્યા આવતા હતા. આચાર્યદેવ કહે છે કે અહો, આવી રાગ–દ્વેષરહિત
સમતાવૃત્તિને ધારણ કરવી તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે.
ભગવાન ઋષભદેવ આપણા આંગણામાં પધાર્યા છે.
ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં નમસ્કાર કર્યા. ભગવાન પધારતાં જ સન્માનપૂર્વક
પાદપ્રક્ષાલન કરીને અર્ઘવડે પૂજન કર્યું, ને પ્રદક્ષિણા લીધી. અહા, આંગણામાં આવું
નિધાન દેખીને તેમને અતિ સન્તોષ થયો, ભગવાનના દર્શનથી બંનેના રોમાંચ
ઉલ્લસિત થયા. હર્ષ અને ભક્તિથી નમ્રીભૂત તે બંને ભાઈઓ ઈન્દ્ર જેવા શોભતા હતા.
જેમ નિષધ અને નીલ પર્વતોની વચ્ચે ઉન્નત મેરું પર્વત શોભે તેમ બંને તરફ શ્રેયાંસ
અને સોમપ્રભની વચ્ચે ભગવાન ઋષભદેવ શોભતા હતા.
શ્રીમતીના ભવનો બધો વૃત્તાંત તેને યાદ આવી ગયો અને તે ભવમાં શષ્પસરોવરના
કિનારે ચારણઋદ્ધિધારી બે મુનિવરોને આહારદાન દીધેલું તેનું પણ તેને સ્મરણ થયું.
સવારનો આ સમય મુનિઓને આહારદાન દેવા માટે ઉત્તમ સમય છે–એમ નિશ્ચય કરીને
તે પવિત્ર બુદ્ધિવાળા શ્રેયાંસકુમારે ભગવાનને આહારદાન કર્યું.