: ૩૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
છે. પરમ ઉદાસીનતારૂપ નિર્વિકલ્પ અવસ્થામાં જેમ સ્વ–પર સંબંધી વિકલ્પો ત્યાજ્ય છે
તેમ વ્રત સંબંધી પણ વિકલ્પો ત્યાજ્ય છે એમ હવે કહે છે.
अपुण्यमव्रतैः पुण्यं व्रतैमोंक्षस्तयोर्व्ययः ।
अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत् ।। ८३ ।।
અવ્રતથી પાપ છે, ને વ્રતથી પુણ્ય છે; તે બંનેના વ્યયથી મોક્ષ થાય છે. માટે
અવ્રતની જેમ વ્રતને પણ મોક્ષાર્થી છોડે છે.
જુઓ, આમાં પૂજ્યપાદ સ્વામી સ્પષ્ટ કહે છે કે વ્રતનો શુભરાગ તે પુણ્યબંધનું
કારણ છે, તે મોક્ષનું કારણ નથી માટે મોક્ષાર્થીએ તો તે પણ છોડવા જેવો છે. તે તે
ભૂમિકામાં અવ્રત છોડીને વ્રતનો શુભરાગ ધર્મીને આવે તે જુદી વાત છે, પણ જો તેને તે
હેય ન માને ને તેનાથી લાભ થવાનું માને તો તો શ્રદ્ધા જ ઊંધી થઈ જાય છે એટલે
મિથ્યાત્વ થાય છે, મિથ્યાદ્રષ્ટિનેતો યથાર્થ વ્રત પણ હોતાં નથી. અહીં તો ભેદજ્ઞાન પછી
ધર્મીને વ્રતાદિનો ભાવ આવે છે તેની વાત છે; તે ધર્મી જાણે છે કે જેમ મેં અવ્રત છોડ્યા
તેમ આ વ્રતના વિકલ્પોને પણ જ્યારે હું છોડીશ ત્યારે મારી મુક્તિ થશે. આ વ્રતના
વિકલ્પો મને મુક્તિના હેતુ નથી.
જુઓ, જેમ ભાવપાહુડની ૮૩ મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે સ્પષ્ટ કહ્યું
છે કે વ્રતાદિમાં પુણ્ય છે, –ને ધર્મ તો જુદી ચીજ છે; તેમ અહીં પણ ૮૩ મી ગાથામાં
પૂજ્યપાદસ્વામી સ્પષ્ટ કહે છે કે મોક્ષાર્થીએ અવ્રતની જેમ વ્રત પણ છોડવા યોગ્ય છે,
કેમકે વ્રતનો વિકલ્પ તે પુણ્યબંધનું જ કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી. અહો!
બધા સંતોએ એક જ વાત કરી છે. જેવું વસ્તુસ્વરૂપ છે તેવું જ બધાય સંતોએ પ્રસિદ્ધ
કર્યું છે. સંતોએ આટલી સ્પષ્ટ વાત સમજાવી હોવા છતાં મૂઢ જીવો રાગની રુચિથી એવા
આંધળા થઈ ગયા છે કે તેમને સત્ય વસ્તુસ્વરૂપ દેખાતું નથી. શું થાય? કાંઈ કોઈ એને
પરાણે સમજાવી દ્યે એમ છે?
શ્રીમદ્ રાજચંદ્ર પણ આત્મસિદ્ધિમાં કહે છે કે–
વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં ઊપજે મોક્ષસ્વભાવ.
જુઓ, શુભ કરતાં કરતાં મોક્ષ થાય એમ નથી કહ્યું, પણ શુભ–અશુભ બંનેને
છેદવાથી મોક્ષ થાય છે–એમ સ્પષ્ટ કહ્યું છે. ધર્માત્મા ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થઈને
જ્યાં આનંદમાં લીન થાય છે ત્યાં વ્રતાદિના શુભવિકલ્પ પણ છૂટી જાય છે, ને મુક્તિ
થાય છે. માટે અંતરાત્મા વ્રતાદિના વિકલ્પને પણ છોડીને વીતરાગી સ્વરૂપમાં ઠરવાની
ભાવના ભાવે છે.