Atmadharma magazine - Ank 283
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 45

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
કર્યો ને અતિશય હર્ષ વ્યક્ત કરતાં પૂછયું કે હે મહાદાનપતિ! કહો તો ખરા કે
ભગવાનના મનની આ વાત તમે કેવી રીતે જાણી? આ ભરતક્ષેત્રમાં પહેલાં કદી નહિ
દેખેલી એવી આ દાનની વિધિને તમે ન બતાવી હોત તો કોણ જાણી શકત? હે કુરુરાજ!
આજ તમે અમારા માટે ભગવાનસમાન પૂજ્ય બન્યા છો. તમે દાનતીર્થના પ્રવર્તક છો,
મહાપુણ્યવાન છો, આ દાનની બધી વાત અમને કહો.
શ્રેયાંસકુમાર કહે છે: હે રાજન્! આ બધુ મેં ભગવાન સાથેના પૂર્વભવના
સ્મરણથી જાણ્યું છે. જેમ રોગ દૂર કરનારી ઉત્તમ ઔષધિ પામીને રોગી મનુષ્ય પ્રસન્ન
થાય, ને તરસ્યો માનવી પાણીથી ભરેલું સરોવર દેખીને પ્રસન્ન થાય, તેમ ભગવાનના
ઉત્કૃષ્ટ રૂપને દેખીને હું અતિશય પ્રસન્ન થયો, ને તે કારણે મને જાતિસ્મરણ થયું, એટલે
મેં ભગવાનનો અભિપ્રાય જાણી લીધો. પૂર્વે આઠમા ભવમાં જ્યારે ભગવાન વજ્રજંઘ
રાજા હતા ત્યારે વિદેહક્ષેત્રની પુંડરીકિણી નગરીમાં હું તેમની શ્રીમતી નામની રાણી હતી,
અને ત્યારે ભગવાનની સાથે મેં પણ બે ચારણમુનિઓને ભક્તિથી આહારદાન દીધું હતું;
તેના સંસ્કાર યાદ આવતાં આજે પણ મેં એ જ વિધિથી ભગવાનને આહારદાન દીધું.
વિશુદ્ધતા સહિત મુનિવરોને દાન દેવાનો પ્રસંગ મહાન ભાગ્યથી પ્રાપ્ત થાય છે.
દાનનું સ્વરૂપ સમજાવતાં શ્રેયાંસકુમાર ભરતરાજાને કહે છે કે–સ્વ–પરના
ઉપકારને માટે મન–વચન–કાયાની શુદ્ધિપૂર્વક પોતાની વસ્તુ યોગ્ય પાત્રને આપવી તેને
દાન કહે છે. શ્રદ્ધા વગેરે ગુણોસહિત પુરુષ તે દાતા છે; આહાર, ઔષધ, શાસ્ત્ર તથા
અભય એ ચાર વસ્તુઓ દેય (દાનમાં દેવાયોગ્ય) છે. રાગાદિ દોષોથી દૂર ને
સમ્યક્ત્વાદિ ગુણસહિત પુરુષ તે પાત્ર છે. તેમાં જે મિથ્યાદ્રષ્ટિ છે પણ વ્રતશીલસહિત છે
તે જઘન્યપાત્ર છે; અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ મધ્યમ પાત્ર છે; અને વ્રત–શીલ–સહિત સમ્યગ્દ્રષ્ટિ
તે ઉત્તમ પાત્ર છે. વ્રતશીલથી રહિત એવા મિથ્યાદ્રષ્ટિ તે પાત્ર નથી પણ અપાત્ર છે.
મોક્ષના સાધક એવા ઉત્તમ ગુણવાન મુનિરાજને દેવામાં આવેલું આહારદાન
અપુનર્ભવનું (મોક્ષનું) કારણ થાય છે. અહીં જે દિવ્ય પંચાશ્ચર્ય (રત્નવૃષ્ટિ વગેરે) થયા
તે દાનના જ મહિમાને પ્રગટ કરે છે. હવે ભગવાન ઋષભદેવના તીર્થમાં મુનિ વગેરે
પાત્ર સર્વત્ર ફેલાઈ જશે–ઠેર ઠેર મુનિઓ વિચરશે; માટે હે રાજર્ષિ ભરત! આપણે સૌએ
ભક્તિપૂર્વક ઉત્તમદાન દેવું જોઈએ.
આ રીતે દાનનો ઉપદેશ આપીને શ્રેયકુમારે દાનતીર્થનું પ્રવર્તન કર્યું. શ્રેયાંસના
શ્રેયકારી વચનો સાંભળીને ભરતરાજાને ઘણી પ્રીતિ થઈ, ને અત્યંત પ્રસન્નતાપૂર્વક રાજા
સોમપ્રભનું તથા શ્રેયાંસકુમારનું સન્માન કર્યું. પછી ગુરુદેવ–ઋષભનાથના ગુણોનું
ચિન્તન કરતા કરતા તે અયોધ્યાપુરી ગયા.