: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
જન્મોત્સવના ૭૮ પુષ્પો
(પૃષ્ઠ ૮ થી ચાલુ)
(૩પ) રાગને જાણતી વખતે જ્ઞાનીનો આત્મા રાગરૂપે નથી પરિણમતો પણ
રાગના જ્ઞાનરૂપે જ પરિણમે છે.–આ રીતે જ્ઞાનરૂપે પરિણમતા આત્માને
જાણવો તે કલ્યાણનો માર્ગ છે.
(૩૬) ભાઈ, આત્માને જે દુઃખ અને પરિભ્રમણ છે તે કેમ ટળે? ને સુખ કેમ
પ્રગટે તેની આ વાત છે. શુભરાગ તે કાંઈ સુખરૂપ નથી; સુખ તો
નિરાકુળ, રાગ વગરનું છે.
(૩૭) રાગમાં જેને મીઠાસ લાગે છે તે દુઃખમાં પડેલા છે. જ્ઞાનસ્વરૂપ આત્મા જ
આનંદનો સાગર છે–એનું ભાન કરીને અનુભવ કરતાં સુખનું વેદન થાય
છે; તે ધર્મ છે.
(૩૮) જ્ઞાન અને રાગનું સ્વરૂપ ભિન્ન છે. જ્ઞાનમાં તો સ્વ–પરને જાણવાની
તાકાત છે, પણ રાગમાં સ્વ–પરને જાણવાની તાકાત નથી; તેથી જ્ઞાન તો
પ્રકાશરૂપ છે, ચેતનરૂપ છે, ને રાગ તો અંધકારરૂપ છે, અચેતન છે.–આમ
બંનેની ભિન્નતા ઓળખવી તે દુઃખથી છૂટવાનો ઉપાય છે.
(૩૯) જગતમાં મણિ–રત્નો મળવા મોંઘા નથી, પણ આત્માના ધર્મનું શ્રવણ
મળવું મહા મોંઘું છે. તે શ્રવણ કરીને પણ ચૈતન્યસ્વરૂપને લક્ષગત કરવું તે
તો અપૂર્વ છે.
(૪૦) રાગ દુઃખનું કારણ છે, આત્માનો જ્ઞાનસ્વભાવ દુઃખનું કારણ નથી, એ તો
આનંદનું ધામ છે.
(૪૧) આત્માનું સ્વરૂપ મારે સમજવું છે એમ જો અંતરમાં ગરજ કરીને સમજવા
માંગે તો જરૂર સમજાય તેવું છે.
(૪૨) જીવને પ્રતિકૂળ સંયોગોનું દુઃખ નથી; દુઃખનું કારણ સંયોગો નથી, તેમજ
આત્માનો સ્વભાવ પણ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ તો ચૈતન્યથી
વિરુદ્ધ એવા ક્રોધાદિભાવો જ છે.
(૪૩) રાગાદિ ભાવોને કારણ બનાવીને આત્મા પોતાના સમ્યગ્દર્શનાદિ કાર્યને
કરે–એવું નથી. તેમજ આત્મા કારણ થઈને રાગાદિ કાર્યને કરે–એમ પણ
નથી. આ રીતે રાગાદિ સાથે ખરેખર આત્માને કારણ–કાર્યપણું નથી.