: ૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
(૬૩) અહા, આવા ચૈતન્યસ્વરૂપની વાર્તા સાંભળતાં આત્માર્થીને ચિત્તની
પ્રસન્નતા થાય છે. ચૈતન્ય પ્રત્યે જેને પ્રીતિ જાગી તે તેને સાધીને
અલ્પકાળમાં જરૂર મોક્ષ પામે છે.
(૬૪) સ્વઘરમાં પહોંચવાની આ વાત છે. અનાદિથી નિજઘરને ભૂલીને
પરભાવમાં જીવ લીન થઈ રહ્યો છે. રાગ અને ચૈતન્ય બંનેના
લક્ષણદ્વારા તેમની ભિન્નતા જાણતાં જીવને પર ભાવમાં લીનતા રહેતી
નથી; ને ચૈતન્યમય સ્વભાવમાં લીનતારૂપ પ્રવૃત્તિ થાય છે.–એનું નામ
ધર્મ છે.
(૬પ) રાગને ખબર નથી કે ‘હું રાગ છું.’ જ્ઞાન જ તેને જાણે છે કે ‘આ રાગ છે,
ને હું જ્ઞાન છું.’ આવા સ્વ–પર પ્રકાશક જ્ઞાનપણે આત્માને જાણવો ને
અનુભવવો તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
(૬૬) રાગને જાણતાં ‘રાગ તે જ હું’ એવી બુદ્ધિ તે અજ્ઞાન છે; રાગ મને ધર્મનું
સાધન થશે એવી જેની બુદ્ધિ છે તે પણ રાગને જ જ્ઞાન માને છે. જ્ઞાનના
નિરાકુળ આનંદસ્વાદની તેને ખબર નથી.
(૬૭) રાગથી ભિન્ન જ્ઞાનને જે જાણે તે રાગને મોક્ષનું સાધન માને નહિ, તેમજ
રાગને મોક્ષનું સાધન મનાવનાર જીવોની વાત તે માને નહીં. રાગને
મોક્ષનું સાધન પણ માને અને ભેદજ્ઞાન પણ હોય એમ બને નહિ.
(૬૮) આત્માના અનુભવ માટે પહેલાં શું કરવું? કે જેવો શુદ્ધસ્વભાવ છે તેવો
યથાર્થપણે નિર્ણયમાં લઈને લક્ષગત કરવો જોઈએ, પછી વિકલ્પ તૂટીને
સાક્ષાત્ અનુભવ થાય છે.
(૬૯) શરૂમાં રાગ–વિકલ્પ હોવા છતાં જ્ઞાનના બળે અંદરમાં નિર્ણય કર કે મારો
આત્મા જ્ઞાનસ્વભાવરૂપ છે, ને સ્વસંવેદનથી મને પ્રત્યક્ષ થઈ શકે છે.–
આવા નિર્ણયના જોરે નિર્વિકલ્પ અનુભવ થશે. નિર્ણય વગર ધર્મનું
પગલુંય ભરાશે નહીં.
(૭૦) કોઈ કહે કે અમને નથી સમજાતું.–તો ભાઈ! ‘નથી સમજાતું’ એવો
તારો ઊંધો ભાવ તો અનાદિનો છે, હવે અંતર્મુખ સમજણના
પ્રયત્નવડે તે ભાવ પલટાવી નાંખ. સવળા ભાવ વડે આત્મા સમજી
શકાય તેવો છે.