: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
(૭૧) ધર્મ એ આનંદની દશા છે, શાંતિની દશા છે; તે આનંદ કે શાંતિ રાગવડે
પ્રાપ્ત થઈ શકે નહિ; પણ રાગથી પાર આત્માનું સ્વરૂપ છે તેના વેદન વડે
આનંદ, શાંતિ ને ધર્મ થાય છે.
(૭૨) અરે, આત્માના નિર્ણયમાં પણ જે સુખ છે તે રાગથી જુદી જાતનું છે.
આત્માનો નિર્ણય પણ અનંતકાળમાં જીવે કર્યો નથી. નિર્ણય કરે તો તે
માર્ગે અનુભવ કર્યા વગર રહે નહિ.
(૭૩) વૈશાખ સુદ બીજના પ્રવચનમાં ગુરુદેવ પ્રસન્નતાથી કહે છે કે–જુઓ ભાઈ!
આ તત્ત્વ લક્ષમાં લેવું જોઈએ. સુખ તો આત્મતત્ત્વમાં છે, તેની ઓળખાણ
વગર બહારની બધી વૃત્તિઓ દુઃખરૂપ છે. આત્માને લક્ષગત કરીને
સ્વસંવેદન–પ્રત્યક્ષ કરવો તે સુખનો ઉપાય છે.
(૭૪) અંર્તસ્વભાવમાં જવા માટે પહેલાં તેનો સત્ય નિર્ણય કરવો જોઈએ; પછી
નિર્ણયના ઘોલનથી વિકલ્પ તૂટીને સાક્ષાત્ અનુભવ થાય.
(૭પ) જેમ પ્રકાશમાં અંધકાર નથી, ને અંધકારમાં પ્રકાશ નથી; તેમ મોક્ષના
કારણરૂપ જે ધર્મ, તેમાં રાગરૂપ અંધકાર નથી ને રાગાદિ અંધકારમાં
ધર્મનો પ્રકાશ નથી.–આમ બરાબર નિર્ણય કરવો જોઈએ.
(૭૬) ધર્મીજીવ જાણે છે કે હું ચૈતન્યસ્વરૂપે સદાય ઉદયરૂપ છું, જેમાં વિકાર
પ્રવેશી ન શકે એવો વિજ્ઞાનઘન હું છું; આવો હું મારા પોતાના સંવેદનથી
મને પ્રત્યક્ષ જાણું છું, એમાં વચ્ચે કોઈ વિકલ્પ નથી.
(૭૭) ધર્મની એટલે કે સમ્યગ્દર્શન થવાની આ રીત છે. આ રીતે આત્માનો
અનુભવ થાય છે.
(૭૮) આવા આત્માનો અનુભવ કરવો તે જીવનની સફળતા છે.
આવું અનુભવ–જીવન જીવનારા
ધર્માત્માઓને નમસ્કાર હો.
*