Atmadharma magazine - Ank 283
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 45

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
એ જ તારા સુખનું સાધન છે, બહારનું કોઈ સાધન નથી. પોતાના સુખને માટે
બાહ્યસામગ્રી શોધવી તે તો વ્યગ્રતા છે, પરાધીનતા છે, દુઃખ છે.
સુખ તે આત્માનો ગુણ છે, પણ દુઃખ કાંઈ આત્માનો ગુણ નથી. જો દુઃખ
મૂળસ્વભાવમાં હોય તો ટળી શકે નહિ. ને જો સુખ મૂળસ્વભાવમાં ન હોય તો મળી શકે
નહિ. આમ પોતાના સુખસ્વભાવને જાણીને તેની સન્મુખ પરિણમતાં જે સુખ પ્રગટ્યું
તેમાં દુઃખનો અભાવ છે. આવી દુઃખના અભાવરૂપ સુખદશા પ્રગટે ત્યારે આત્માના
સુખસ્વભાવને જાણ્યો કહેવાય. સ્વાનુભૂતિમાં જે સુખનું વેદન થયું તે ઉપરથી ધર્મી જીવ
જાણે છે કે મારો આખો આત્મા આવા પૂર્ણ સુખસ્વભાવથી ભરેલો છે.–આમ પર્યાયમાં
પ્રસિદ્ધિ સહિત શક્તિની પ્રતીત સાચી થાય છે. શક્તિની પ્રતીત કરે ત્યાં તેનું ફળ
પર્યાયમાં આવ્યા વિના રહે નહિ.
સાચું જ્ઞાન હોય ત્યાં સુખ પણ હોય જ; છતાં લક્ષણ બંનેના જુદા; જ્ઞાનનું લક્ષણ
સ્વપરને જાણવું તે; સુખનું લક્ષણ અનાકુળતાને વેદવું તે. આત્મામાં દ્રષ્ટિ કરતાં તેના
જ્ઞાન–સુખ વગેરે ગુણો વ્યક્તપણે પર્યાયમાં વ્યાપે, એટલે કે નિર્મળપણે પરિણમે, ત્યારે
અનંતશક્તિવાળા આત્માને જાણ્યો–માન્યો–અનુભવ્યો કહેવાય.
જે શક્તિ હોય તેનું કંઈક કાર્ય હોવું જોઈએ ને! જેમ કે જ્ઞાનનું કાર્ય શું? કે
જાણવું; તેમ સુખશક્તિનું કાર્ય શું? કે અનાકુળતાનું વેદન કરવું તે સુખશક્તિનું કાર્ય છે.
સુખ ગુણના કાર્યમાં દુઃખ ન હોય. સુખથી ભરેલા અંર્તસ્વભાવમાં દ્રષ્ટિ કરતાં સુખ
પ્રગટે છે, દુઃખ નથી પ્રગટતું. અહા, આવા સુખસ્વભાવની પ્રતીત કરતાં જ તેમાંથી
નિરાકુળ અચિંત્ય આનંદની કણિકા પ્રગટે છે, જેનો સ્વાદ સિદ્ધપ્રભુના સુખ જેવો જ છે.
–આવું સુખશક્તિનું કાર્ય છે.
આવું સુખ પ્રગટવા માટેના છએ કારકો પોતાના સુખગુણમાં જ સમાય છે.
ધ્રુવમાં આનંદ ભર્યો છે તેમાં લક્ષ કરતાં તે પર્યાયમાં પ્રગટે છે. ધ્રુવનું અવલંબન તે જ
સાધન છે, બહારમાં બીજું કોઈ સાધન નથી. ભાઈ, અંતરમાં નજર કરીને આનંદને
શોધ; બહારમાં ક્્યાંય ન શોધ.