: ૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
બોટાદ શહેરના
પ્રવચનોમાંથી ૭૮ પુષ્પો
શ્રી જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા અને
તીર્થયાત્રાના મંગલકાર્યો કરીને ૭૮મી
જન્મજયંતીના ઉત્સવ પ્રસંગે ગુરુદેવ બોટાદ
પધાર્યા ત્યાં આઠ દિવસ રહ્યા, ને સમયસાર
કર્તાકર્મ અધિકાર ઉપર પ્રવચનો થયા. તે
પ્રવચનોમાંથી દોહન કરીને ૭૮ પુષ્પો અહીં
આપવામાં આવ્યા છે. આ પુષ્પોની સૌરભ
મુમુક્ષુના ચિત્તને પ્રસન્ન કરશે.
––બ્ર. હ. જૈન
(૧) દરેક આત્મામાં જીવત્વ નામની શક્તિ છે; આત્માનું ભાન કરીને રાગરહિત
સર્વજ્ઞદશા પ્રગટે, ત્યાં પોતાના જ્ઞાન–આનંદ વગેરે નિર્મળ ભાવો સહિત
આત્મા સાદિ–અનંત જીવન જીવે છે; તે મંગળ છે. સિદ્ધોનું જીવન મંગળ
જીવન છે.
(૨) સર્વજ્ઞસ્વભાવી આત્મા છે, અને તેનું ભાન કરતાં સર્વજ્ઞદશા પ્રગટે છે. એવા
સર્વજ્ઞ પરમાત્મા સીમંધરનાથ અત્યારે વિદેહક્ષેત્રમાં બિરાજી રહ્યા છે.
(૩) તે સીમંધર પરમાત્મા સાથે અમારે પૂર્વ ભવમાં સંબંધ હતો, ને અમારા
ઉપર તેમનો ઉપકાર છે,–તેથી સોનગઢમાં તેમની સ્થાપના કરી છે.
(૪) કુંદકુંદાચાર્યદેવ અહીંથી બે હજાર વર્ષ પૂર્વે સીમંધર પરમાત્મા પાસે વિદેહમાં
પધાર્યા હતા; ને તે વખતે અમે (ગુરુદેવ તથા બહેનોના આત્મા) ત્યાં
મોજુદ હતા, ને કુંદકુંદાચાર્યદેવને સાક્ષાત્ જોયા છે.
(પ) આ રીતે સર્વજ્ઞ ભગવાન પાસેથી જે વાત કુંદકુંદાચાર્યદેવ લાવ્યા, તે જ વાત
ભગવાનની સાક્ષીએ કહેવાય છે.