Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 45

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૯ :
સીધી રીતે બાહ્ય વિષયોમાં પ્રવર્તતો ન હોય, પણ જો અંદર સંકલ્પ–વિકલ્પના ગણગણાટ
થતા હોય તો તે પણ દુઃખરૂપ છે. સંકલ્પ–વિકલ્પ સર્વથા છૂટયા પહેલાં પણ આ વાતનો
નિર્ણય કરવો જોઈએ. અહો! મને શાંતિ અને આનંદ તો મારા આત્માના અનુભવમાં જ
છે, સંકલ્પ–વિકલ્પ ઊઠે તેમાં મારી શાંતિ નથી. સાધકદશામાં વ્રત–તપના વિકલ્પ તો
આવે, પણ તે છોડીને સ્વરૂપમાં ઠરીશ ત્યારે જ મને મારા પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે–એમ જે
નિર્ણય નથી કરતો અને તે વિકલ્પથી લાભ માને છે તે તો અજ્ઞાની છે; ઈષ્ટપદ શું છે તેની
પણ તેને ખબર નથી, તેણે તો રાગને જ ઈષ્ટ માન્યો છે. જ્ઞાની તો પોતાના ચૈતન્યપદને
જ ઈષ્ટ સમજે છે, ને અવ્રત તેમજ વ્રત બંને છોડીને ચિદાનંદસ્વરૂપમાં લીનતાથી તે પરમ
ઈષ્ટપદને પામે છે. જ્યાંસુધી સંકલ્પ–વિકલ્પની જાળમાં ગૂંચવાયા કરે ત્યાંસુધી
પરમસુખમય ઈષ્ટપદની પ્રાપ્તિ જીવને થતી નથી; જ્યારે અંતરના સંકલ્પ–વિકલ્પની
સમસ્ત જાળ છોડીને પોતે પોતાના ચૈતન્યચમત્કારરૂપ વિજ્ઞાનઘન આત્મામાં લીન થાય
છે. ત્યારે જ અનંતસુખમય પરમપદની પ્રાપ્તિ થાય છે.
।। ૮પ।।
ચૈતન્યસ્વરૂપ આત્માનું જેને ભાન છે અને સમસ્ત સંકલ્પ–વિકલ્પોની જાળનો
નાશ કરવા માટે જે ઉદ્યમી છે એવો જીવ ક્યા ક્રમથી તેનો નાશ કરે છે તે બતાવે છે–
अव्रती व्रतमादाय व्रती ज्ञानपरायणः।
परात्मज्ञानसंपन्नः स्वयमेव परो भवेत्।।८६।।
અવ્રતી વ્રતને ગ્રહણ કરીને અવ્રતસંબંધી વિકલ્પોનો નાશ કરે, અને પછી
જ્ઞાનપરાયણ થઈને એટલે જ્ઞાનમાં લીન થઈને વ્રતસંબંધી વિકલ્પોનો પણ નાશ કરે.
આ રીતે જ્ઞાનભાવનામાં લીનતા વડે તે જીવ પરાત્મજ્ઞાન–સંપન્ન–ઉત્કૃષ્ટઆત્મજ્ઞાનસંપન્ન
એટલે કે કેવળજ્ઞાનસંપન્ન પરમાત્મા થાય છે.
સૌથી પહેલાં સમ્યગ્દર્શન તો થયું છે ત્યારપછીની આ વાત છે. જેને સમ્યગ્દર્શન
નથી તેને તો અવ્રતનો ત્યાગ હોતો નથી, તેને તો અંશમાત્ર સમાધિ હોતી નથી.
હું વિકલ્પોથી પાર જ્ઞાનાનંદસ્વરૂપ છું–એવું જેને સમ્યક્ભાન નથી તે શેમાં
એકાગ્ર થઈને સંકલ્પ–વિકલ્પોને છોડશે? ચૈતન્યસ્વરૂપમાં જેટલી એકાગ્રતા થાય તેટલી
જ સમાધિ થાય છે. જુઓ, કેવળી ભગવાનને પરિપૂર્ણ અનંતસુખરૂપ સમાધિ જ છે.
મુનિદશામાં જે વ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તેટલી પણ અસમાધિ છે, સમકિતીને જે
અવ્રતોનો વિકલ્પ ઊઠે તેમાં વિશેષ અસમાધિ છે; અને મિથ્યાદ્રષ્ટિને તો ઘોર અસમાધિ
છે. જેટલી અસમાધિ છે તેટલું દુઃખ છે. કેવળી ભગવંતોને પરિપૂર્ણ અનંતસુખ છે;
ત્યારપછી બારમા વગેરે ગુણસ્થાને તેનાથી ઓછું સુખ છે. મુનિઓને જેટલો સંજ્વલન
કષાય છે તેટલું પણ દુઃખ છે, ને જેટલી જ્ઞાનપરાયણતા છે તેટલું સુખ છે.