: ૨૦ : આત્મધર્મ જેઠ : ૨૪૯૩
સમકિતીને ચોથા ગુણસ્થાને અવ્રત સંબંધી વિકલ્પો હોવા છતાં, તે શ્રદ્ધાઅપેક્ષાએ
તો જ્ઞાનપરાયણ જ છે, વિકલ્પપરાયણ નથી,–વિકલ્પથી લાભ માનતો નથી.
પહેલાં અવ્રતનો ત્યાગ કરીને વ્રતી થવાનું કહ્યું, ત્યાં કોઈ એમ માને કે આપણને
સમ્યગ્દર્શન ભલે ન હો, પણ પહેલાં અવ્રત છોડીને વ્રત લઈ લેવાં, પછી સમ્યગ્દર્શન થવું
હશે તો થશે!–તો એમ માનનાર મહા મૂઢ છે, તેને જૈનશાસનની પરિપાટીની ખબર
નથી. સમ્યગ્દર્શન વગર કદી વ્રત હોય જ નહિ ને અવ્રત છૂટે જ નહિ. પહેલાં મિથ્યાત્વ
છૂટે પછી જ અવ્રત છૂટે ને પછી જ વ્રત છૂટે. મિથ્યાત્વ જ જેનું છૂટયું નથી તેને
અવ્રતાદિનો ત્યાગ થઈ શકે જ નહિ. જેને સમ્યગ્દર્શન જ નથી તે તો બહિરાત્મા છે.
અહીં તો તે બહિરાત્મપણું છોડીને જે અંતરાત્મા થયા છે–સમ્યગ્દ્રષ્ટિ થયા છે, તે
અંતરાત્મામાંથી પરમાત્મા થવાની આ વાત છે. અંતરાત્મા થયા પછી જ્ઞાનાનંદસ્વરૂપમાં
લીન થવાથી જ પરમાત્મદશા થાય છે. પહેલાં જ જેણે મિથ્યાત્વ તો છોડ્યું છે ને
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન કર્યું છે એવા સમકિતી પહેલાં અવ્રતને છોડીને, અને
પછી વ્રતને પણ છોડીને, પોતાના ચિદાનંદસ્વરૂપમાં નિર્વિકલ્પપણે લીન થઈને
કેવળજ્ઞાન પ્રગટાવીને પરમાત્મા થાય છે ને સિદ્ધપદ પામે છે.
–આ રીતે જ્ઞાનભાવના જ મોક્ષનું કારણ છે, વ્રતાદિના વિકલ્પો મોક્ષનું કારણ નથી.
।। ૮૬।।
જેમ વ્રતાદિના વિકલ્પો મોક્ષનું કારણ નથી તેમ મુનિલિંગનો વિકલ્પ પણ મોક્ષનું
કારણ નથી–એમ હવે આચાર્યદેવ કહેશે.
ચક્રવર્તીનું બળ
ચક્રવર્તીના રાજનું જે ક્ષેત્ર (એટલે કે છખંડ) તેમાં વસનાર સમસ્ત દેવો અને
મનુષ્યોનું જેટલું બળ છે તેના કરતાં અનેકગણું બળ ચક્રવર્તીની ભૂજામાં છે,–એમ
આદિપુરાણમાં કહ્યું છે.
જેની ભૂજાનું આટલું બળ, તેના સંપૂર્ણ બળની શી વાત! અને અનંતગુણથી
ભરેલા એવા તેના આત્મબળની શી વાત!
હે જીવ! તું પણ જ્ઞાનચક્રનો ધારક ચૈતન્યચક્રવર્તી છો. તારા જ્ઞાનચક્રવડે સમસ્ત
વિભાવોને ભેદી નાખવાની તારી તાકાત છે. એકકોર જગતના સમસ્ત જડ–ચેતન
પદાર્થો, ને બીજી કોર તું એકલો, છતાં જ્ઞાનચક્રવડે સમસ્ત જ્ઞેયોને પહોંચી વળવાની
તારી તાકાત છે. સમસ્ત જ્ઞેયો કરતાં અનંતગુણી તારી તાકાત છે.
તું આવો ચક્રવર્તી થઈને અન્ય પાસે ભીક્ષા કાં માગ?
તારા અનંત ચૈતન્યનિધાનને આનંદથી ભોગવ.