પિતા–માતા પૂ. ગુરુદેવ સાથે યાત્રામાં ગયા હતા તેથી હું ક્યાંય જઈ શક્યો ન હતો. પણ,
ચાર વર્ષ પહેલાં સિદ્ધાંતપ્રવેશિકાના ૧૩૨ પ્રશ્નો મેં તૈયાર કરેલા તે ભૂલી ગયો હોવાથી
વેકેશનમાં બધા પ્રશ્નો તૈયાર કરી લીધા. મારા માતા–પિતા યાત્રામાંથી આવ્યા ત્યારે તેમની
પાસેથી યાત્રાના આનંદની વાતો સાંભળીને મને પણ આનંદ થયો ને યાત્રા કરવાનું મન થયું.
પછી હું મુંબઈ આવ્યો છું; અહીં શ્રીમદ્રાજચંદ્રના ‘જીવનસંગ્રહ’ નું પુસ્તક આખું વાંચ્યું; તેમાં
શ્રીમદ્રાજચંદ્ર નાની ઉંમરમાં શું શું કરી ગયા–તેના ઘણા પ્રસંગ આપ્યા છે. આપણને એમ
લાગે કે નાની ઉમરના બાળક શું કરી શકે? –પણ શ્રીમદ્રાજચંદ્રનું જીવન વાંચતાં ખ્યાલ
આવે છે કે કોઈ પણ માણસ કે બાળક પોતે ધારે તે કરી શકે છે; ને નાની ઉમરથી જ
આત્માના હિતનું કામ કરી લેવા જેવું છે. શ્રીમદ્રાજચંદ્રને સાતવર્ષે તો જાતિસ્મરણ (પૂર્વ
જન્મનું જ્ઞાન) થયું હતું; ને ૨૯ વર્ષની વયે એક જ જગ્યાએ બેઠાબેઠા ‘આત્મસિદ્ધિ’ (૧૪૨
ગાથા) લખી હતી.–આ રીતે મેં વેકેશનનો સદુપયોગ કર્યો. ભાઈ! આપણે થોડુંઘણું ધાર્મિક
સાહિત્ય દરરોજ વાંચવાનું રાખીએ તો ઘણું જાણવાનું મળે. આપણા આ બાલવિભાગ દ્વારા
પણ આપણને ઘણું જાણવાનું મળે છે.