: ૨૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
* વીંછીયાથી સ. નં. ૬૬૬ તથા ૬૬૭ લખે છે કે– ઉનાળાની રજાઓમાં આઠ
દિવસ અમે બોટાદમાં ગુરુદેવની છત્રછાયામાં રહ્યા, ભાવભીની અમૃતવાણી સાંભળી એ
અમારા મહાભાગ્ય, આનંદકારી જન્મોત્સવ પણ જોયો ને ગુરુદેવના પ્રતાપે જીવનમાં હજી
ઘણા ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત કરવાની ભાવના છે.
* અમદાવાદના ઉમેશ જૈન (નં. પ૭૦) લખે છે– પ્રિય મિત્ર, રજાઓમાં
રાજકોટ આવીને શિક્ષણવર્ગનો ને ગુરુદેવના પ્રવચનોનો લાભ લીધો; આનંદ આવ્યો. ત્યાંના
કલાસમાંથી છૂટા પડ્યા પછી મને અહીં ગમતું નથી. કલાસ પછી હુ મારે ગામ સાયલા ગયો
હતો ને ત્યાં ધર્મચર્ચા કરી હતી, ત્યાંના લોકોને તેમાં રસ આવ્યો હતો ને ગુરુદેવના
પ્રવચનનો લાભ લેવાની ભાવના થઈ હતી. અહીં અમદાવાદમાં મારા ઘરથી મંદિર ઘણું દૂર
છે. બોટાદમાં ગુરુદેવની જન્મજયંતિમાં પણ હું હતો, પછી રાજકોટમાં પણ હતો, ત્યાં
ભગવાનની રથયાત્રામાં મજા પડી. હું સોનગઢ ન આવી શક્યો તેનું મને દુઃખ છે. હવે તો
અમારા અમદાવાદમાં પણ મંદિર બંધાઈ રહ્યું છે ને તેનો ઓચ્છવ થશે...ત્યારે ગુરુદેવ પધારશે
તેની રાહ જોઈએ છીએ. ને શિક્ષણ વર્ગ પણ અમદાવાદમાં ચાલે તો કેવું સારૂં! તું પણ ત્યારે
જરૂર આવજે. जयजिनेन्द्र!
* મુંબઈથી ભરત એચ. જૈન લખે છે– પૂ. ગુરુદેવ સાથે તીર્થયાત્રા અને
પંચકલ્યાણક વગેરે ઉત્સવોનો લહાવો લઈને સૌ સોનગઢમાં સ્થિર બન્યા હશો, ખરેખર
સોનગઢનું જીવન તો જુદું જ છે. બાલવિભાગની ‘પત્રયોજના’ ખૂબ ગમી, તેથી
બાલવિભાગના બધા સાધર્મી બંધુઓને સંબોધીને પત્ર લખતાં આનંદ થાય છે.
પ્રિય સાધર્મી મિત્રો! પરીક્ષાઓ પૂરી થયા પછી રજામાં તમે ગુરુદેવ સાથે યાત્રામાં કે
રાજકોટના શિક્ષણવર્ગમાં અભ્યાસ કરવા ગયા હશો, ને ધાર્મિક ચિંતન–મનન કર્યું હશે. જો કે
હું આવી ન શક્યો પણ મેં મુંબઈમાં હરવા–ફરવાનું ઓછું કરીને ધાર્મિક અભ્યાસમાં મન
જોડ્યું. શરૂઆતમાં જરા કંટાળો લાગતો પણ અહીંના ધાર્મિક શિક્ષણવર્ગમાં જવા લાગ્યો ને
ધીમે ધીમે રસ આવવા લાગ્યો. શરીર અને આત્માની ભિન્નતા, અનેકાન્તનું સ્વરૂપ ને
ઉપાદાન નિમિત્તની સ્વતંત્રતા–એ બધું સમજાવીને ગુરુદેવે ખરેખર મહા ઉપકાર કર્યો છે.
અમારા ધર્મશિક્ષક અમને દરરોજનું ‘ઘરલેશન’ પણ આપતા–પણ એ લેશન નોટબુકમાં
લખવાનું નહિ હો,–આ લેશન તો ખૂબ મજાનું; શિક્ષકે એવું લેશન આપ્યું કે રોજ રાત્રે સૂતા
પહેલાં તમારાથી બને તેટલો વખત બધા મિત્રોએ મળી ધાર્મિક ચર્ચા–વિચારણા કરવી.–
અમને એમાં મજા પડતી ને ઘણું જાણવાનું મળતું.–પછી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું ને
આત્મવિચારમાં ચિત્ત લગાડવું. નિજગુણોનો વિચાર કરવો. દેહથી ભિન્નતાનો વિચાર કરવો;
આવું ઘરલેશન આપતા.
બંધુઓ, એક વાત ચોક્કસ છે કે સાચા દેવ–ગુરુ ને શાસ્ત્ર જ આપણને મોક્ષના સમ્યક્
માર્ગે લઈ જશે, માટે તેમનું બહુમાનપૂર્વક આરાધન કરવું; બહારની દુનિયાના માયા–મમતા,
રાગ–દ્વેષ, ચોરી–કપટ, અસત્ય વગેરે પાપો તજીને પ્રબળ પુરુષાર્થ વડે અખંડ આનંદસ્વરૂપ
આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરીને જલદી મોક્ષ પામીએ એવી નિરંતર ભાવના ભાવવી.