Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 45

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
તો શું વ્રત છોડીને અવ્રત કરવાં?’–અરે મૂર્ખ! એ વાત ક્યાંથી લાવ્યો? અવ્રતને
છોડવાનું તો પહેલાં જ કહ્યું. વ્રતને પણ જે મોક્ષનું કારણ ન માને તે અવ્રતના પાપને તો
મોક્ષનું કારણ કેમ માનશે? શુભ–અશુભ બંનેથી છૂટીને આત્માના મોક્ષની વાત
સાંભળતાં તેની હોંસ આવવી જોઈએ, તેને બદલે જેને ખેદ થાય છે કે ‘અરે! શુભ છૂટી
જાય છે!’–તો તેને મોક્ષની રુચી નથી પણ રાગની જ રુચિ છે એટલે સંસારની જ રુચિ
છે.
અહીં તો ઉત્કૃષ્ટ વાત બતાવે છે. જેણે આત્માનું સમ્યક્ભાન તો કર્યું છે, તે
ઉપરાંત હિંસાદિના પાપભાવોરૂપ અવ્રત પણ છોડીને અહિંસાદિ વ્રત પાળે છે, તેને પણ
આગળ વધવા માટે કહે છે કે આ વ્રતના વિકલ્પોને પણ છોડીને તું સ્વરૂપમાં સ્થિર થા,
તો તને પરમાત્મદશા પ્રગટ થશે.
પહેલાં આવા યથાર્થ માર્ગનો નિર્ણય કરવો જોઈએ; મોક્ષમાર્ગ તો
વીતરાગભાવમાં જ છે, રાગમાં મોક્ષમાર્ગ નથી, પછી તે અશુભ હો કે શુભ; માર્ગના
નિર્ણયમાં જ જેને વિપરીતતા હોય, જે રાગને મોક્ષમાર્ગ માનતો હોય, તે રાગરહિત
વીતરાગી મોક્ષમાર્ગને ક્યાંથી સાધી શકશે? કુંદકુંદસ્વામી તો સ્પષ્ટ કહે છે કે રાગ તે
મોક્ષમાર્ગ નથી–પછી ભલે અરિહંત કે સિદ્ધ પ્રત્યેનો તે રાગ હોય!–
તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે, તે ભવ્ય ભવસાગર તરે.
‘તો પછી ભગવાનની ભક્તિ કોઈ નહીં કરે’–એમ કોઈ કહે, તો કહે છે કે અરે
ભાઈ! ભગવાને કહેલી આવી વીતરાગી વાત જે સમજશે તેને જ વીતરાગભગવાન
પ્રત્યે ખરી ભક્તિ જાગશે. પણ રાગને જે મોક્ષમાર્ગ માનશે તેને વીતરાગ પ્રત્યે ખરી
ભક્તિ નહીં જાગે.
સાચા તત્ત્વના નિર્ણયપૂર્વક અવ્રત અને વ્રત બંનેનો ત્યાગ કરવાથી શું થાય છે?
તે હવેની ગાથામાં કહેશે.
જો તને સ્વયં તારા પર વિશ્વાસ હોય તો,
ખાટી કે મીઠી આલોચનાની પરવા કર્યા વિના
તું તારું હિતકાર્ય કર્યે જા.
*