Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 45

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
અતિશય ગંભીર ને મધુર ‘દેવદુન્દુભી’ વાજાં વાગતાં હતાં.
જિનેન્દ્રભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થતી દિવ્યપ્રભા અર્થાત્ ‘ભા–મંડલ’ ના
તેજ વડે આખી સમવસરણભૂમિ શોભતી હતી.–ભગવાનની આશ્ચર્યકારી પ્રભા કરોડો
દેવોનાં ને સૂર્યનાં તેજને ઢાંકી દેતી હતી, ને ભગવાનનો મહાન પ્રભાવ પ્રગટ કરતી
હતી. અહા, અમૃતના સમુદ્ર જેવી, અને જગતના અનેક મંગલ કરનારા દર્પણ જેવી,
ભગવાનના શરીરની તે મંગલ પ્રભામાં મનુષ્યો ને દેવો પ્રસન્નતાપૂર્વક પોતાના સાત–
સાત ભવો દેખતા હતા.
ભગવાનના સર્વાંગેથી ‘મહાદિવ્યધ્વનિ’ છૂટતી હતી; મધુરી મેઘગર્જના જેવી
અને અતિશયવાળી એ દિવ્યધ્વનિ ભગવાનના માહાત્મ્યથી સર્વભાષારૂપ થઈને
ભવ્યજીવોના અજ્ઞાન અંધકારને નષ્ટ કરતી હતી ને તત્ત્વનો બોધ કરાવતી હતી.
સર્વજ્ઞભગવાનની એ દિવ્યધ્વનિ એક હોવા છતાં શ્રોતાજનોની પાત્રતા અનુસાર અનેક
પ્રકારની થઈ જતી હતી.–અહા, એ જિનવાણીની મધુરતાની શી વાત!
આ રીતે સિંહાસન, પુષ્પવૃષ્ટિ, અશોકવૃક્ષ, છત્ર, ચામર, દેવદુંદુભિ, ને
દિવ્યધ્વનિ–એવા આઠ પ્રાતિહાર્યયુક્ત સમવસરણ, અનંત ચતુષ્ટયના નાથ એવા
સર્વજ્ઞદેવ વડે શોભી રહ્યું હતું.
ઈન્દ્ર–આગમન ને ભગવાનની સ્તુતિ
સાતિશય પુણ્યના બગીચા જેવી એ સમવસરણની શોભા દેખીને ઈન્દ્રાદિ દેવો
અતિ પ્રસન્ન થયા ને ભક્તિપૂર્વક, એ ભગવાનને સેવવા માટે સમવસરણને ત્રણ
પ્રદક્ષિણા દઈને સભામંડપમાં દાખલ થયા. ભગવાનનું શ્રીમુખ ચારે બાજુથી દેખાતું હતું
અર્થાત્ તેઓ ચતુર્મુખ હતા. ભગવાનને અન્નપાણીનો આહાર ન હતો, વસ્ત્ર–આભુષણ
પણ ન હતાં; ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ ન હતું, જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી તેઓ સર્વજ્ઞ
હતા; તેઓ મોક્ષસૃષ્ટિના સર્જનહાર અને પાપસૃષ્ટિના સંહારક હતા. આવા ભગવાનને
દેખતાં જ અતિશય ભક્તિથી નમ્રીભૂત એવા ઈન્દ્રે ઘુંટણભર થઈને પ્રણામ કર્યા; તેનાં
નેત્રો અને મુખ હર્ષથી પ્રફૂલ્લિત બન્યાં નમસ્કાર કરી રહેલા ઈન્દ્ર–ઈન્દ્રાણીના મસ્તક
પર પોતાના નખના કિરણો વડે ભગવાન જાણે કે આશીર્વાદ વરસાવતા હતા. અષ્ટવિધ
ઉત્કૃષ્ટ પૂજન–સામગ્રી વડે ઈન્દ્રોએ શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા કરી; ઈન્દ્રાણીએ
પ્રભુચરણ સમીપે રંગબેરંગી રત્નોના મંડલ પૂર્યા.–પરંતુ કૃતકૃત્ય એવા ભગવાનને એ
બધાથી શું પ્રયોજન હતું? એ તો વીતરાગ હતા, એ ન કોઈના ઉપર પ્રસન્ન થતા, કે ન
કોઈના ઉપર દ્વેષ કરતા; અને છતાંય ભક્તોને ઈષ્ટફળથી યુક્ત કરી દેતા હતા–એ એક
આશ્ચર્યકારી વાત છે! (ભગવાનમાં પરનું અકર્તૃત્વ, સાક્ષીપણું)