Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 45

background image
: ૩૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
અને વીતરાગતા હોવા છતાં ભક્તો પોતાના ઉત્તમભાવનું ઈષ્ટફળ પામતા હતા–એવી
સ્વતંત્રતા એ એક આશ્ચર્યકારી વાત છે,–કે જે જૈનધર્મમાં જ સંભવે.)
ત્યારબાદ ઈન્દ્ર અત્યંત ભક્તિથી સ્તુતિ કરવા લાગ્યો: હે જિનનાથ! આપ
ગુણરત્નોના ખજાના છો, આપના પ્રત્યેની ભક્તિ ઈષ્ટફળ દેનારી છે. અમે જડબુદ્ધિ
હોવા છતાં આપના ગુણોની ભક્તિ અમને વાચાલિત કરે છે. પ્રભો, આપનું અત્યંત
નિર્વિકાર શરીર જ આપના શાન્તિસુખને પ્રગટ દેખાડી રહ્યું છે. વસ્ત્રરહિત હોવા છતાં
આપનું શરીર સર્વોત્કૃષ્ટ સુંદરતાને ધારણ કરી રહ્યું છે. પ્રભો! આપના કલ્યાણકોમાં દેવો
પણ દાસ થઈને આપની સેવા કરે છે. મોક્ષમાર્ગરૂપી સૃષ્ટિના આપ વિધાતા છો; આપ
જ જગતમાં મિત્ર છો, આપ જ ગુરુ છો, આપ જ જગતના પિતામહ છો, આપનું ધ્યાન
કરનાર જીવો અમર એવા મોક્ષપદને પામે છે. પ્રભો! દિવ્યધ્વનિ વડે આપ જગતને
મોક્ષના અનંતસુખનો માર્ગ દેખાડનારા છો. આપે બતાવેલા મોક્ષમાર્ગમાં ચાલનારા
જીવો પરમ આનંદને પામે છે. પ્રભો! જગતના સમસ્ત પદાર્થો જેમાં ભરેલા છે એવી
આપની દિવ્યધ્વનિ વિદ્વાનોને તરત જ તત્ત્વજ્ઞાન કરાવે છે, ને સ્વાદ્વાદરૂપી નીતિવડે તે
અંધમતના અંધકારને દૂર કરે છે. આપની વાણી એ પવિત્ર તીર્થ છે, ને આપે કહેલું
ધર્મરૂપી તીર્થ ભવ્ય જીવોને સંસારથી પાર થવાનો માર્ગ છે; પ્રભો! સર્વ પદાર્થોને
જાણનારા આપ સર્વજ્ઞ છો; મોહના વિજેતા છો; ધર્મતીર્થના કર્તા તીર્થંકર છો; મુનિઓ
આપને જ પુરાણપુરુષ માને છે. કેવળજ્ઞાનરૂપી નિર્મળ નેત્ર આપને પ્રગટ્યું છે. હે
પ્રભો! આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ ને અમારી પવિત્ર સ્તુતિનો સ્વીકાર કરો–આ
પ્રમાણે ભક્તિપૂર્વક સેંકડો સ્તુતિ કરીને ઈન્દ્રોએ પ્રભુચરણોમાં મસ્તક નમાવ્યું, ને
ભગવાનના શ્રીમુખ તરફ ટગટગ જોતા સભામંડપમાં બેઠાં. શાસ્ત્રકાર કહે છે કે અહો!
જિનેન્દ્રભગવાનના દિવ્યવૈભવરૂપ આ આખા સમવસરણની ને માનસ્તંભ વગેરેની હું
પ્રસન્નતાપૂર્વક સ્તુતિ કરું છું, વંદના કરું છું, તથા તેનું સ્મરણ કરું છું.
સ્વયંભૂ ભગવાન ઋષભદેવની ધર્મસભામાં અનુક્રમે બાર કોઠામાં પ્રથમ
ગણધરાદિ મુનિવરો (૨) કલ્પવાસી દેવીઓ (૩) આર્યિકા તથા શ્રાવિકાઓ (૪)
જ્યોતિષી દેવીઓ (પ) વ્યંતર દેવીઓ (૬) ભવનવાસી દેવીઓ (૭) ભવનવાસી દેવ
(૮) વ્યન્તર દેવ (૯) જ્યોતિષી દેવ (૧૦) કલ્પવાસી દેવ (૧૧) મનુષ્યો તથા
(૧૨) તિર્યંચોની સભા હોય છે. ધર્મચક્રના અધિપતિ એવા શ્રી જિનેન્દ્રભગવાનના
સમવસરણ–વૈભવનું જે ભવ્યજીવ ભક્તિપૂર્વક સ્મરણ કરે છે તથા સ્તવન કરે છે તે
સમસ્ત ગુણોથી ભરપૂર એવી જિનવિભૂતિને પામે છે.
–*–