Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 45

background image
: ૪૧ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
પૂજ્ય ગુરુદેવ રાજકોટમાં ૨૦ દિવસ રહીને વૈશાખવદ નોમ (તા. ૧–૬–૬૭) ના રોજ
સોનગઢ પધાર્યા છે, ને જિનવાણીની અમીવર્ષાથી સોનગઢનું વાતાવરણ પ્રફૂલ્લિત બન્યું છે.
રાજકોટથી વિદાય અને સોનગઢમાં પ્રવેશ–એ બંને વખતના મંગલ–પ્રવચનમાં અનુભવરસનો
મહિમા કરતાં ગુરુદેવે કહ્યું હતું કે–સ્વાનુભૂતિમાં શાંતરસનું વેદન થાય છે, તે શાંતરસને ‘રસેન્દ્ર’
એટલે કે સર્વે રસોમાં શ્રેષ્ઠ કહ્યો છે. સ્વાનુભવવડે આવો શાંતરસ પ્રગટ કરવો તે મંગળ છે.
આમ મંગળમાં ગુરુદેવના શ્રીમુખે સ્વાનુભવરસનો મહિમા અને તેની પ્રેરણા સાંભળતાં
મુમુક્ષુઓને પ્રસન્નતા થઈ હતી. ગુરુદેવ સોનગઢ પધાર્યા ત્યારે ઉમંગભર્યું સ્વાગત થયું હતું ને
મંગલ ગીતો ગવાયા હતા. સુવર્ણધામના પ્રશાંત–અધ્યાત્મ વાતાવરણમાં ગુરુદેવને પણ
સ્વાધ્યાય–ચિંતનની વિશેષ સ્ફૂરણાઓ જાગે છે.
જેઠ સુદ પાંચમના રોજ શ્રુતપંચમીનો પવિત્ર દિવસ ધનસેનસ્વામી વગેરે વીતરાગી
મુનિવરોના સ્મરણપૂર્વક આનંદથી ઉજવાયો હતો. સવારમાં શ્રુતજ્ઞાનની યાત્રા તથા પૂજા
વગેરે કાર્યક્રમો હતા. હવે અષાડ વદ એકમના રોજ દિવ્યધ્વનિનો દિવસ આવી રહ્યો છે–જે
દિવસે રાજગૃહીમાં વિપુલાચલ ઉપર વીરપ્રભુના સમવસરણમાં દિવ્યવાણીના ધોધ વહેવા
માંડ્યા ને ઈન્દ્રભૂતિસ્વામી તે ઝીલીને ગણધર બન્યા.
સાયલા (રાજસ્થાન) માં પૂ. ગુરુદેવના પ્રતાપે મુમુક્ષુ મંડળ ચાલે છે; અહીં દિ.
જૈનમંદિર થાય એવી મુમુક્ષુઓની લાંબા વખતથી ભાવના હતી. ગત વૈશાખ સુદ ૧૦ ના
શુભદિને અહીં દિ. જૈનમંદિરમાં ભગવાન જિનેન્દ્રદેવની વેદી–પ્રતિષ્ઠા સાનન્દસમ્પન્ન થઈ. આ
પ્રસંગે મુમુક્ષુઓને ઘણો ઉલ્લાસ હતો ને સારી પ્રભાવના થઈ હતી.
વૈરાગ્ય – સમાચાર
* રાજકોટના ભાઈશ્રી અમરચંદ ગીરધરલાલના માતુશ્રી દૂધીબાઈ એકસો એક
વર્ષની વયોવૃદ્ધ ઉમરે ગત વૈશાખ વદ એકમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. ભાઈશ્રી
લાલચંદભાઈના તેઓ દાદીમા થાય.–તેમનો આત્મા દેવ–ગુરુ–ધર્મના શરણે શાંતિ પામે–એ જ
ભાવના.
* સોનગઢ ગોગીદેવી આશ્રમમાં રહેતા મૂળી બહેન (ખરગપુરવાળા) ના માતુશ્રી
ગત તા. ૨૨–પ–૬૭ ના રોજ ખરગપુર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. થોડા વખત પહેલાં તેઓ
સોનગઢ આવીને રહેલા ને અહીંના વાતાવરણથી પ્રમોદિત થયા હતા. દેવ–ગુરુ–ધર્મના શરણે
તેમનો આત્મા શાંતિ પામે–એ જ ભાવના.
* ફત્તેપુરના ભાઈશ્રી અમૃતલાલ માણેકચંદ મહેતા તા. ૭–૬–૬૭ના રોજ અમદાવાદ–
ઈસ્પિતાલમાં સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ આવતા. દેવ–ગુરુ–ધર્મના
શરણે તેમનો આત્મા શાન્તિ પામો.