Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
: ૧૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
ધર્મચક્ર તથા ધર્મધ્વજનું પણ સન્માન કર્યું ને અતિશય ભક્તિપૂર્વક ભગવાન જિનેન્દ્ર–
દેવને દેખ્યા. અહા, અષ્ટ પ્રાતિહાર્યના વૈભવયુક્ત ભગવાનને નીહાળતાં મહા
આનંદપૂર્વક ભરતે તેમની પૂજા કરી અને બંને ઘૂંટણ જમીન પર રાખીને નમસ્કાર કર્યા;
તથા સ્તુતિ કરવા લાગ્યા: હે પ્રભો! આપ ધર્મના નાયક છો, આપ મોક્ષમાર્ગના નેતા
છો, આત્મસ્વરૂપને જાણનારાઓના આપ ધ્યેય છો. ઈન્દ્રિયો વિદ્યમાન હોવા છતાં આપ
અતીન્દ્રિય છો; વિષય–કષાયરહિત સંપૂર્ણ સુખ આપને પ્રગટ્યું છે. પ્રભો! આપ તો
અનંતગુણસમ્પન્ન છો, અમે અલ્પબુદ્ધિજીવો આપના પવિત્ર ગુણોનું સ્તવન કઈ રીતે
કરી શકીએ? આપના ગુણોની સ્તુતિ તો દૂર રહી, આપનું નામ પણ અમને પવિત્ર કરે
છે.–ઈત્યાદિ પ્રકારે ૧૦૮ નામોવડે સ્તુતિ કરી. હે પ્રભો! આપને જ ઈષ્ટદેવ માનીને અમે
આપની જ ઉપાસના કરીએ છીએ, ને આપે દેખાડેલો મોક્ષમાર્ગ ઉપાસીને મોક્ષ પ્રાપ્ત
કરવા ચાહીએ છીએ.
એ પ્રમાણે સ્તુતિ કરીને દેવો પણ જેને આશ્ચર્યથી જોઈ રહ્યા છે એવા તે
ભરતચક્રવર્તી શ્રીમંડપમાં જઈને મનુષ્યોની સભામાં અગ્રસ્થાને બેઠા. આખી સભા
તત્ત્વનું સ્વરૂપ જાણવાની ઈચ્છાથી ભગવાનની દિવ્ય વાણી સાંભળવા માટે હસ્તાંજલિ
જોડીને શાંત થઈ ગઈ. ત્યારે મહારાજા ભરતે વિનયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરી: હે
ભગવાન! તત્ત્વો કેટલા છે? મોક્ષનો માર્ગ શું છે? ને તે માર્ગનું ફળ શું છે? હે શ્રેષ્ઠ
તત્ત્વવેત્તા! તે હું આપની પાસેથી સાંભળવા ચાહું છું.
ભગવાનની દિવ્યધ્વનિવડે ભરતક્ષેત્રમાં ધર્મવર્ષાનો પ્રારંભ
ભરતરાજનો પ્રશ્ન સમાપ્ત થતાં તીર્થંકર ભગવાન ઋષભદેવે અત્યંત ગંભીર
દિવ્યવાણી દ્વારા તત્ત્વોનું વિવેચન કર્યું. દિવ્યવાણી છૂટતી વખતે પણ ભગવાનના
મુખમાં કોઈ ફેરફાર (હોઠનું હલનચલન વગેરે) થતો ન હતો,–શું પદાર્થોને પ્રકાશીત
કરતી વખતે દર્પણમાં વિકાર થાય છે?–નહિ. પ્રયત્ન વિના સર્વાંગેથી એ
વીતરાગવાણીનો ધોધ વહેતો હતો. જેમ પર્વતની કોઈ ઊંડી ગૂંફામાંથી અવાજ આવતો
હોય એમ પ્રભુની દિવ્યધ્વનિ અતિ ગંભીર હતી. અહો, તીર્થંકરાદિ મહાપુરુષોનું યોગબળ
ને એમની પ્રભુતા કોઈ અચિન્ત્ય હોય છે!
સમવસરણ વચ્ચે દિવ્યધ્વનિમાં ભગવાને જીવાદિ છ દ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ કહ્યું.
જગતમાં જીવ ને અજીવ એમ બે પ્રકારનાં દ્રવ્યો છે; જીવ પણ સંસારી ને મુક્ત એમ