મોક્ષમાર્ગ ભગવાને બતાવ્યો.
જેઓ અનંત–જ્ઞાનાદિ ગુણોસહિત સર્વજ્ઞ છે, જેમણે મોહાદિ કર્મકલંક ધોઈ નાંખ્યા છે,
જેઓ નિર્મળતાના ભંડાર છે ને નિર્મળ જેમનો આશય છે, સૌના હિતોપદેષ્ટા છે–એવા
વીતરાગ જિનદેવ તે ‘આપ્ત’ છે, તે જ ઈષ્ટદેવ છે. એવા આપ્તપુરુષની વાણી કે જે સંપૂર્ણ
પુરુષાર્થને ઉપદેશનારી છે ને નયપ્રમાણોથી ગંભીર છે તે ‘આગમ’ છે. તેમાં કહેલાં
અનેકાન્તસ્વરૂપ જીવાદિ પદાર્થો તે તત્ત્વો છે. આવા આપ્ત–આગમ ને તત્ત્વને બરાબર
ઓળખવા જોઈએ. જીવ–અજીવ આદિ પદાર્થો પોતપોતાના ગુણ–પર્યાયરૂપે પરિણમન
કરે છે; સમસ્ત પદાર્થોમાં પરિણમન સ્વયમેવ થાય છે, અને કાળદ્રવ્ય તેમાં
સહકારીકારણ છે.–આવા પદાર્થસ્વરૂપને જે જાણે છે તે પરમબ્રહ્મ પદને પામે છે.
તેના માર્ગરૂપ રત્નત્રયનું, બંધ અને બંધનાં કારણોનું, સંસારી અને મુક્તજીવનું,
ત્રણલોકની રચનાનું, સ્વર્ગ–નરક ને દ્વીપ–સમુદ્ર વગેરેનું, તીર્થંકરો–ચક્રવર્તીઓ
વગેરેના ચરિત્રનું, તીર્થંકરોના કલ્યાણકોનું, ગુણસ્થાન–માર્ગણાસ્થાનનું, ગતિ–
આગતિનું તથા મુનિઓની ઋદ્ધિ વગેરેનું નિરૂપણ કર્યું. સર્વને જાણનારા ને સર્વનું
કલ્યાણ કરનારા ભગવાન ઋષભદેવે ભૂત–ભવિષ્ય–વર્તમાન ત્રણેકાળસંબંધી સમસ્ત
દ્રવ્યોનું સંપૂર્ણ સ્વરૂપ બતાવ્યું.
ઝીલનારા શ્રોતાઓના આનંદની શી વાત!! ભગવાને કહેલું તત્ત્વસ્વરૂપ સાંભળીને
ભરતરાજ અને બારે સભાના જીવો પરમ આનંદને પામ્યા. દિવ્યધ્વનિદ્વારા ધર્મરૂપી
અમૃતનું પાન કરીને બધા જીવો પરમ હર્ષથી સંતુષ્ઠ થયા. પરમ આનંદિત થઈને
ભક્તિનિર્ભર એવા ભરતરાજા ભગવાન સમીપે સમ્યક્ત્વની શુદ્ધિ તેમ જ અણુવ્રતોની
પરમવિશુદ્ધિને પામ્યા.